રાજુલા ખાતે આગામી તારીખ ૧૩ મે ૨૦૨૬ ના રોજ નવનિર્મિત નિઃશુલ્ક મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર હોસ્પિટલનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે આ ઐતિહાસિક કાર્યક્રમની પૂર્વતૈયારીના ભાગરૂપે પ્રબુધ્ધ નાગરિકો, વેપારીઓ અને તબીબોની એક વિશેષ મિટિંગ યોજાઈ હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી, રાજકીય મહાનુભાવો અને પૂજ્ય મોરારીબાપુ સહિતના સંતોની ગરિમામય ઉપસ્થિતિ રહેવાની હોય મહેમાનોની સુવિધા માટે વિસ્તૃત વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. મિટિંગમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મનીષભાઈ વાળાએ વેપારીઓને અડધો દિવસ સ્વૈચ્છિક ધંધા-રોજગાર બંધ રાખી સેવામાં જોડાવા આહવાન કર્યું હતું. આ સાથે જ બજરંગ દળના ૧૦૦ કાર્યકરો સેવાની જવાબદારી સંભાળશે અને મનુભાઈએ મહેમાનોના ઉતારા માટે પોતાની આખી હોટલ ફાળવવાની ઉમદા જાહેરાત કરી હતી.









































