સમગ્ર ભારતમાં ચાલી રહેલા ઐતિહાસિક ‘ગૌ સમ્માન આહ્વાન અભિયાન’ અંતર્ગત આજે અમરેલી જિલ્લાના લીલીયા મોટા ગૌ માતાને રાષ્ટ્રીય સ્તરે સન્માન અને સુરક્ષા મળે તે હેતુથી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિના પ્રાણ અને કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવી ગૌ માતાના સન્માન માટે ચાલી રહેલા આ આંદોલનમાં લીલીયા તાલુકો સક્રિય રીતે જોડાયો છે. લીલીયા ખાતે વડવાળા હનુમાન મંદિરથી રેલીનો પ્રારંભ થયો હતો, જેમાં વૃંદાવનના સંતો અને સ્થાનિક સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાન દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિ સુધી લોકભાવના પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ રાષ્ટ્ર યજ્ઞના ત્રણ મુખ્ય લક્ષ્યોમાં ગૌ હત્યા મુક્ત ભારત, ગૌ માતાને ‘રાષ્ટ્ર માતા’નો બંધારણીય દરજ્જો અને સ્વતંત્ર ‘ગૌ સેવા મંત્રાલય’ની સ્થાપનાનો સમાવેશ થાય છે.







































