ખાંભા તાલુકાના કંટાળા ગામે આવેલ રૂડાબાપાના મંદિરમાં થયેલ ચાંદીના છત્તરની ચોરીનો ભેદ ઉકેલવામાં ખાંભા પોલીસને મોટી સફળતા મળી છે. ગત એપ્રિલ માસમાં અજાણ્યા તસ્કરોએ મંદિરમાંથી ૨૪ નંગ ચાંદીના છત્તર, જેનું વજન આશરે ૬.૫૦૦ ગ્રામ અને કિંમત ૧,૪૦,૦૦૦ રૂપિયા હતી, તેની ચોરી કરી હતી. ખાંભા પોલીસ દ્વારા આ કેસની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સી.સી.ટી.વી. કેમેરામાં એક શંકાસ્પદ મોટરસાયકલ જણાઈ આવી હતી, જેના રજીસ્ટ્રેશન નંબરના આધારે ટેકનિકલ સોર્સની મદદથી તપાસ કરતા રાહુલ મકવાણા (રહે. ગોંડલ)નામનો શખ્સ મળી આવ્યો હતો. આરોપીએ પૂછપરછમાં કબૂલાત કરી હતી કે તેણે ઇન્સ્ટાગ્રામ પર ‘કંટાળા ગીર રૂડાબાપા ધામ‘ ની રીલ્સ જોઈ હતી, જેમાં મંદિરની અંદરની કિંમતી વસ્તુઓ અને આસપાસનો અવાવરું વિસ્તાર જોઈ તેણે ચોરીનો પ્લાન બનાવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી ઓગાળેલ ચાંદીનું બિસ્કિટ કબજે કર્યું છે.








































