ઈરાન યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં વધતા તણાવ વચ્ચે ફ્રાન્સે તેની લશ્કરી પ્રવૃત્તિઓ વધુ તીવ્ર બનાવી દીધી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને બુધવારે જાહેરાત કરી હતી કે ફ્રાન્સનું એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ સુએઝ કેનાલની દક્ષિણમાં અને લાલ સમુદ્ર તરફ આગળ વધી રહ્યું છે. આ પગલું ફ્રાન્સ અને બ્રિટન વચ્ચે સંભવિત સંયુક્ત રક્ષણાત્મક મિશનની તૈયારીમાં છે. ફ્રાન્સનું પરમાણુ સંચાલિત ફ્રિગેટ “ચાર્લ્સ ડી ગૌલ” અને તેની સાથેના યુદ્ધ જહાજાને હોર્મુઝ સ્ટ્રેટ નજીક તૈનાત કરવામાં આવી રહ્યા છે.
આ યુદ્ધ જહાજાને તે જ દરિયાઈ માર્ગ પર તૈનાત કરવામાં આવ્યા છે જ્યાં ચાલી રહેલા ઈરાન યુદ્ધને કારણે શિપિંગ ખોરવાઈ ગયું છે. હોર્મુઝ સ્ટ્રેટમાં મોટી સંખ્યામાં જહાજા ફસાયેલા છે, અને આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીએ તેને વૈશ્વિક તેલ બજારના ઇતિહાસમાં સૌથી મોટો પુરવઠો વિક્ષેપ ગણાવ્યો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને જણાવ્યું હતું કે ફ્રાન્સ અને બ્રિટન દ્વારા પ્રસ્તાવિત આ મિશન દરિયાઈ સુરક્ષા પુનઃસ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી તૈયાર કરવામાં આવી રહ્યું છે. એ નોંધવું જાઈએ કે ફ્રાન્સ સહિત તમામ દેશો ઇચ્છે છે કે હોર્મુઝમાં પરિસ્થિતિ શક્યતેટલી વહેલી તકે સામાન્ય થાય.
મેક્રોને એકસ પર લખ્યું, “આ મિશન જહાજ માલિકો અને વીમા કંપનીઓનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવામાં મદદ કરી શકે છે. તે લડતા પક્ષોથી સ્વતંત્ર એક રક્ષણાત્મક પ્રયાસ હશે.” તેમણે જણાવ્યું કે તેમણે બુધવારે ઈરાનના રાષ્ટÙપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે વાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે તેઓ આ મુદ્દા પર યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ચર્ચા કરશે. મેક્રોને કહ્યું, “હોર્મુઝ સ્ટ્રેટમાં શાંતિ પાછી લાવવાથી પરમાણુ મુદ્દાઓ, બેલિસ્ટિક મિસાઇલો અને પ્રાદેશિક પરિસ્થિતિ પર વાટાઘાટો આગળ વધારવામાં મદદ મળશે. યુરોપિયન દેશો આમાં તેમની ભૂમિકા ભજવશે.”
ફ્રેન્ચ આર્મી ચીફ ઓફ સ્ટાફના પ્રવક્તા કર્નલ ગુઇલાઉમ વર્ને જણાવ્યું હતું કે ફ્રાન્સ, બ્રિટન અને ૫૦ થી વધુ દેશોનું પ્રસ્તાવિત ગઠબંધન ફક્ત ત્યારે જ કામગીરી શરૂ કરશે જ્યારે બે શરતો પૂર્ણ થશેઃ પ્રથમ, દરિયાઈ જહાજા માટેનો ખતરો ઓછો થશે, અને બીજું, શિપિંગ ઉદ્યોગ સ્ટ્રેટનો ઉપયોગ ફરી શરૂ કરવા માટે પૂરતો વિશ્વાસ ધરાવે છે. તેમણે સમજાવ્યું કે કોઈપણ લશ્કરી કાર્યવાહી માટે ઈરાન સહિત પડોશી દેશોની સંમતિની જરૂર પડશે. ૨૮ ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયલી હુમલાઓના જવાબમાં ઇરાને સ્ટ્રેટને લગભગ બંધ કરી દીધું છે.
યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજાના વીમા પ્રિમીયમમાં નોંધપાત્ર વધારો થયો છે. ઉદ્યોગના અંદાજ મુજબ, યુદ્ધ પહેલાના સ્તરની તુલનામાં વીમા ખર્ચમાં ૪-૫ ગણો વધારો થયો છે. યુદ્ધ શરૂ થયા પછી, ફ્રાન્સે હોર્મુઝ સ્ટ્રેટમાં નેવિગેશનની સ્વતંત્રતા પુનઃસ્થાપિત કરવા માટે બહુરાષ્ટ્રીય પહેલ શરૂ કરી. મેક્રોન અને કીર સ્ટાર્મરે ૧૭ એપ્રિલના રોજ પેરિસમાં એક સમિટમાં ઘણા દેશોનું આયોજન કર્યું. ૩૦ થી વધુ દેશોના લશ્કરી આયોજકોએ ઓપરેશન માટેની વ્યૂહરચનાને અંતિમ સ્વરૂપ આપ્યું.










































