ધોરાજી નગરપાલિકાની સેનીટેશન શાખા દ્વારા શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલા અને ગંદકી બાબતે કડક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ચીફ ઓફિસર જયમલ મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય ઇન્સ્પેક્ટર રેશમાબેન ડોડિયા, યાસીનભાઈ કાંગડા અને પ્રવીણભાઈ સહિતના સ્ટાફે ધોરાજીની મેઈન બજાર, હવેલી શેરી તથા પીરખાના ચોક જેવા વિસ્તારોમાં સઘન તપાસ કરી હતી. આ કામગીરી દરમિયાન ટીમે વિવિધ દુકાનોમાં પ્લાસ્ટિકના જથ્થા અને કચરાના નિકાલની સ્થિતિ ચકાસી હતી. સેનીટેશન શાખાના અધિકારી યાસીનભાઈ કાંગડાએ માહિતી આપતા જણાવ્યું કે આ ઝુંબેશમાં અંદાજે દશેક જેટલા દુકાનધારકો સામે પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવા અને આસપાસ ગંદકી ફેલાવવા બદલ કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. નગરપાલિકાની આ આકસ્મિક કાર્યવાહીને પગલે નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.