ગીરગઢડા તાલુકાના ખિલાવડ નજીક જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે સિંહદર્શન કરવાના ઈરાદે પ્રવેશ કરનાર ત્રણ યુવાનોને વનવિભાગે ઝડપી પાડ્યા છે. નાયબ વન સંરક્ષક અને મદદનીશ વન સંરક્ષકની સૂચના મુજબ જસાધાર રેન્જમાં નાઈટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ખિલાવડ ગામ પાસેના અભયારણ્યમાં ચોરીછૂપીથી પ્રવેશેલા ખાપટ ગામના પાર્થ બારૈયા તેમજ ઉનાના કમલેશ બાંભણીયા અને પ્રથમ વાજાને વનકર્મીઓએ પકડી લીધા હતા. વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ આ ત્રણેય યુવાનો પાસેથી કુલ રૂ.૭૫,૦૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આર.એફ.ઓ. કે.સી. ચૌહાણે લોકોને અપીલ કરી છે કે વન્યપ્રાણીઓને પજવણી કરવી કે ગેરકાયદેસર લાયન શો કરવો એ ગંભીર ગુનો છે અને તેનાથી બચવું જોઈએ.
જંગલની મર્યાદા જાળવવી એ દરેક નાગરિકની ફરજ છે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાયદાકીય પગલાં ભરવામાં આવશે તેવું વનવિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે.










































