ખાંભા તાલુકાના નિંગાળા-૨ ગામે માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકીઓથી કંટાળીને એક વ્યક્તિએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ આત્મહત્યા માટે મજબૂર કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.આ અંગે મનસુખભાઇ વાઘાભાઇ વણઝારાએ ડેડાણ ગામના અકબરખાન દિલાવરખાન પઠાણ, તૌફીક અકબરખાન પઠાણ તથા તમન્ના અકબરખાન પઠાણ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ મુજબ, આરોપીઓ અવાર-નવાર ફોરવ્હીલ ગાડી લઈને મૃતકના ઘરે પહોંચી જતા અને ત્યાં બીભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા.તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓએ તલવાર જેવા હથિયારો બતાવી મૃતકને ડરાવ્યા હતા અને સતત માનસિક ત્રાસ આપ્યો હતો. આ રોજબરોજના ત્રાસથી કંટાળી અંતે યુવકે ઝેરી દવા પીને પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. હાલ અમરેલી એસસી-એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક પી.આર. રાઠોડ આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે.