ગોંડલ તાલુકાના મોવિયા ગામમાં ડા. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવાના મામલે ભારે તણાવની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા ૧૫ થી ૨૦ વર્ષથી પંચાયત પાસે જગ્યાની માંગણી કરવા છતાં પરિણામ ન મળતા, અંતે અનુસૂચિત સમાજના આગેવાનોએ બસ સ્ટેન્ડ ચોક નજીક મૂર્તિ સ્થાપિત કરી દીધી છે. સામાજિક કાર્યકર વિજયભાઈ સાંડપાએ આક્ષેપ કર્યો છે કે પંચાયતના કેટલાક સભ્યો ચૂંટણીના માહોલમાં મૂર્તિ હટાવવાનું ષડયંત્ર રચી રહ્યા છે. નરેન્દ્રભાઈ સાંડપાએ આક્રોશ સાથે ચેતવણી આપી છે કે જો મૂર્તિ ખસેડવાનો પ્રયાસ થશે તો આત્મવિલોપન અને રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે. હાલમાં ગામમાં ૧ DYSP અને ૩ PI સહિતનો મોટો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. આચારસંહિતા વચ્ચે પંચાયતમાં યોજાયેલી ગુપ્ત મિટિંગો સામે પણ સવાલો ઉઠ્યા છે અને ગ્રામજનો હવે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે.










































