વર્ષ ૨૦૧૭માં રાજકોટમાં સામે આવેલા કરોડો રૂપિયાના ડુપ્લીકેટ નોટ કાંડમાં અમદાવાદની સ્પેશિયલ એનઆઇએ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સ્પેશિયલ જજ એમ.પી. પુરોહિતે મુખ્ય આરોપી કેતન દવે સહિત તમામ ૬ આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કર્યા છે. આ ચુકાદાથી લાંબા સમયથી ચાલતા આ ચર્ચાસ્પદ કેસનો અંત આવ્યો છે.
આ કેસ તે સમયે ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો, જ્યારે પોલીસને કુલ ?૪.૫૭ કરોડની બનાવટી ચલણી નોટો મળેલી હતી. બનાવટી નોટોના જથ્થાની ગંભીરતા અને તેની પાછળ આંતરરાષ્ટ્રીય કનેક્શન હોવાની આશંકાને ધ્યાનમાં રાખીને કેસની તપાસ બાદમાં એનઆઇએને સોંપવામાં આવી હતી.
કેસમાં ફરિયાદી નીતિનભાઈ અજાણી સાથે થયેલા નાણાકીય વ્યવહારના વિવાદથી થઈ હતી.આરટીજીએસ સામે રોકડ રકમ આપવાનો સોદો નિષ્ફળ જતાં રાજકોટ સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ ૪૦૬ અને ૪૨૦ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. તપાસ દરમિયાન ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ પોલીસે કેતન દવેની ઓફિસમાં દરોડો પાડી ૫૭.૬૦ લાખની કિંમતની ૨,૦૦૦ના દરની બનાવટી નોટો ઝડપી હતી. ત્યારબાદ ૩ માર્ચ ૨૦૧૭ના રોજ સ્કોડા કારમાંથી વધુ ૪ કરોડની નકલી નોટો મળતા રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો હતો.
કેસની ગંભીરતા વધતાં આઇપીસીની કલમ ૪૮૯ ઉમેરવામાં આવી હતી અને તપાસ એનઆઇએને સોંપવામાં આવી હતી. આ કેસ રાજકોટથી અમદાવાદની સ્પેશિયલ એનઆઇએ કોર્ટમાં ટ્રાન્સફર થયો હતો. ટ્રાયલ દરમિયાન ફરિયાદ પક્ષે ૪૬ સાક્ષીઓની તપાસ કરી હતી, જ્યારે બચાવ પક્ષે ૬ સાક્ષીઓ રજૂ કર્યા હતા.
બચાવ પક્ષના સિનિયર એડવોકેટ રાજેશ મોદીએ એ દલીલ કરી હતી કે તપાસમાં ઘણી ખામીઓ છે. મહત્વના સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી નથી અને સરકારી સાક્ષીઓના નિવેદનોમાં પણ વિરોધાભાસ જાવા મળ્યો હતો. ઉપરાંત, કબજે કરાયેલા મુદ્દામાલ સાથે છેડછાડ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી હતી.
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે નોંધ્યું કે આરોપીઓ વિરુદ્ધ ગુનો સાબિત કરવા પૂરતા અને વિશ્વસનીય પુરાવાઓ ઉપલબ્ધ નથી. આથી તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે, જે આ હાઈપ્રોફાઈલ કેસમાં મહત્વપૂર્ણ વળાંક સાબિત થયો છે.









































