શહેરમાં છેતરપિંડીના કેસમાં સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ગુનામાં ગ્રામ્ય કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટના નામે નકલી સ્ટે ઓર્ડર બનાવી એક નાગરિક પાસેથી ૫ લાખની છેતરપિંડી આચરનાર નીરવ જેબલીયાને કોર્ટે દોષિત ઠેરવી ૩ વર્ષની સજા ફટકારી છે. આ સાથે જ ગ્રામ્ય કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, આરોપી સામે ગંભીર આક્ષેપ છે. આખો કેસ નિઃશંકપણે પુરવાર થાય છે ત્યારે આવા આરોપી સામે દયા ન દાખવી શકાય. નોંધનીય છે કે, નીરવ જેબલીયા સામે અન્ય કેસ પણ કોર્ટમાં પડતર છે.
કુબેરનગર રહેતા દિનેશભાઈ ખુશાલભાઈ રાણાના મિત્ર મેહુલભાઈ મેવાડા વિરુદ્ધ વર્ષ ૨૦૨૧માં ડીસા ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસમાં પોલીસની અટકાયતી કાર્યવાહીથી બચવા માટે હાઈકોર્ટમાંથી સ્ટે ઓર્ડર મેળવવો જરૂરી હતો. દિનેશભાઈના સંપર્કમાં રહેલા આરોપી નીરવ જેબલીયાએ પોતે લાયઝનિંગનું કામ કરતો હોવાનું જણાવી હાઈકોર્ટમાંથી ઓર્ડર કરાવી આપવાની ખાતરી આપી હતી.
બાદમાં વકીલની ફી પેટે કુલ રૂ. ૫ લાખની માંગણી કરી હતી, આ પૈસા દિનેશભાઈએ ટુકડે-ટુકડે ચૂકવી દીધી હતી. ત્યારબાદ નીરવે વોટ્સએપ પર ગુજરાત હાઈકોર્ટના લોગો અને સિક્કાવાળા નકલી ઓર્ડર મોકલ્યા હતા. જાકે, જ્યારે દિનેશભાઈએ હાઈકોર્ટની સત્તાવાર વેબસાઇટ પર તપાસ કરી, ત્યારે તેમને આપેલ નંબરનો કોઈ ઓર્ડર મળી આવ્યો નહોતો. છેતરપિંડીનો અહેસાસ થતા અને દિનેશભાઈએ નીરવનો સંપર્ક કર્યો હતો. ત્યારે તેણે “પોલીસમાં જશો તો ખોટા કેસમાં ફસાવી દઈશ” એવી ધમકી આપી હતી. આ મામલે સોલા હાઈકોર્ટમાં દિનેશભાઈએ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે નીરવની ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ ધરપકડ કરી હતી. આ કેસમાં ચાલવા પર આવતા ફરિયાદી તરફે સરકારી વકીલ મહેન્દ્ર પી ભરવાડ અને એડવોકેટ જયેન્દ્ર જે અભવેકરે દલીલ રજૂ કરી હતી જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપી સામે આવા અન્ય કેસો પણ ચાલી રહ્યા હોવાનું દર્શાવ્યું હતું. તે ગુનો કરવાની ટેવ વાળો છે, આરોપીએ બોગસ દસ્તાવેજ બનાવ્યા હોવાનું સાબિત થાય છે ત્યારે તેને યોગ્ય સજા કરવી જાઈએ. જ્યારે આરોપી તરફે ઓછી સજા કરવા રજૂઆત કરવામાં આવી હતી. બંને પક્ષની રજૂઆત બાદ કોર્ટે નીરવને ૩ વર્ષ કેદની સજા સંભળાવી હતી.









































