ઉના તાલુકાના સનખડા અને ગાંગડા ગામમાં છેલ્લા સાતેક દિવસથી સિંહ પરિવારનો વસવાટ જોવા મળતાં સ્થાનિકોમાં ભારે ભય ફેલાયો છે. ગત રાત્રે સનખડામાં આવેલા ભીડભંજન મહાદેવ મંદિર નજીક કંબોયા વાડી વિસ્તારમાં સિંહ, સિંહણ અને ત્રણ બાળસિંહના પરિવારે પાંચુભા કાળુભા સરવૈયાની ગીર ગાયનું મારણ કરી મિજબાની માણી હતી. સિંહો આ વિસ્તારમાં જ હોવાથી ખેડૂતો દિવસે પણ વાડીએ કામ કરવા જતાં ડરી રહ્યા છે. બે દિવસ પહેલાં પણ આ વનરાજોએ ગાંગડા ગામના બસ સ્ટેન્ડ નજીક એક ગાયનો શિકાર કર્યો હતો અને બંને ગામ વચ્ચેના રોડ પર લટાર મારી હતી. સિંહોએ આ બંને ગામ વચ્ચે કાયમી રહેઠાણ બનાવ્યું હોય તેમ લાગી રહ્યું છે. આ ભયના માહોલ વચ્ચે વન વિભાગ સઘન પેટ્રોલિંગ કરે અને ગ્રામજનોને સુરક્ષા માટે પૂરતી માહિતી આપે તેવી પ્રબળ લોકમાગણી ઉઠી છે.









































