મહિલાઓ પર થતા અત્યાચારનો વધુ એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદના રાણીપ વિસ્તારમાંથી સામે આવ્યો છે. પૈસાની લેતીદેતી બાબતે ફોઈનું ઉપરાણું લેનાર પત્ની પર તેના જ પતિએ ક્રિકેટ રમવાના બેટ અને મેટલના શો-પીસથી જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. આ નિર્દયી હુમલામાં માતાને બચાવવા વચ્ચે પડેલી દીકરીને પણ પિતાએ બેરહેમીથી ફટકારી હતી. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેણે ભારે ચકચાર જગાવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાણીપ વિસ્તારમાં આવેલી આશુતોષ રેસિડેન્સીમાં કંચનબેન શાહ તેમના પતિ અમિત શાહ અને બે દીકરીઓ સાથે રહે છે. કંચનબેનના આ બીજા લગ્ન છે. અગાઉ પહેલા પતિ સાથે છૂટાછેડા થયા બાદ, વર્ષ ૨૦૦૭માં તેમણે અમિત સાથે કોર્ટ મેરેજ કર્યા હતા.
ગઈકાલે જ્યારે કંચનબેન ઘરે હાજર હતા અને બહાર જવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે તેમના ફોઈ ભાનુબેન તેમને મળવા ઘરે આવ્યા હતા. વાતચીત દરમિયાન ભાનુબેને જણાવ્યું હતું કે, “મારે અમિત પાસેથી રૂપિયા લેવાના નીકળે છે.” આ સાંભળીને કંચનબેને સામાન્ય રીતે જ જવાબ આપ્યો કે, “જા તમારા પૈસા નીકળતા હોય તો તમે માંગી લો.” પત્નીએ પોતાની ફોઈનું ઉપરાણું લઈને પૈસા આપી દેવાની વાત કરતા પતિ અમિત ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરવા લાગ્યો હતો.
પૈસાની વાત પર અકળાયેલા અમિતે ગુસ્સામાં ભાન ભૂલીને ઘરમાં પડેલું મેટલનું એક શો-પીસ ઉઠાવીને સીધું પત્ની કંચનબેનના માથામાં મારી દીધું હતું. આટલાથી ન અટકતા, તેણે ઘરમાંથી બેટ હાથમાં લઈને પત્નીને બેફામ ફટકારવાનું શરૂ કરી દીધું હતું. પત્નીની બોચી પકડીને તેને ઢોર માર મારવામાં આવ્યો.
પોતાની માતાને પિતાના હાથે નિર્દયતાથી માર ખાતી જાઈને તેમની દીકરી વચ્ચે બચાવવા પડી હતી. પરંતુ ગુસ્સામાં અંધ થયેલા અમિતે પોતાની જ દીકરીને પણ છોડી નહોતી અને તેને પણ ફટકારી હતી. કંચનબેનની બૂમાબૂમ સાંભળીને આસપાસના લોકો અને પાડોશીઓ દોડી આવ્યા હતા.
ઈજાગ્રસ્ત હાલતમાં કંચનબેનને તાત્કાલિક સારવાર માટે હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર હુમલાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં અમિતની ક્રૂરતા સ્પષ્ટપણે જાઈ શકાય છે. હાલમાં આ મામલે કંચનબેને રાણીપ પોલીસ સ્ટેશનમાં પતિ અમિત વિરુદ્ધ હુમલાની ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.










































