(૧)પતિ પોતાના ઘરમાં કેમ મન ભરી ને હસતો નથી હોતો ?
જીગર યાદવ (ગુરુ) (દાત્રાણા-પાટણ)
એટલે તમે એમ કહેવા માંગો છો કે એ બીજાના ઘેર મન ભરી ને હસે છે?!
(૨)આ યુધ્ધનાં વાતાવરણમાં તમને કોઈ વડાપ્રધાન બનાવી દે તો તમે દેશ માટે શું નિર્ણય લો?
નિધિ પાંડોર (ભિલોડા અરવલ્લી)
તમે ઓગણત્રીસમા પ્રશ્નકર્તા છો જે મને વડાપ્રધાન બનાવવા માગે છે. જો હું વડાપ્રધાન બની જાઉં તો તમારી ટિકિટ પાક્કી!
(૩)સાહેબ..! ભવાઈની શરૂઆતમાં ડાગલો(વિદૂષક)નું શું કામ હોય છે?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા)
છોકરાઓ જોવા આવ્યા હોય એ સૂઈ જાય ત્યાં સુધી ટાઇમપાસ કરવા.
(૪)હાસ્યલેખક તરીકે તમને એવોર્ડ મળે તો તમે કોઈ ફંક્શન રાખો ખરા?
ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
રાખું પણ ખરો હો, મારું કાઈ નક્કી નહીં!
(૫)પારકું અને પરબારુ આ બંનેમાં કોઈ ફરક ખરો?
ધોરાજીયા ચંદ્રકાન્ત એન. (સાજણટીંબા)
તમે મને જમવા માટે પરબારા તમારા ઘેર બોલાવી શકો પણ પારકાં ઘેર ન બોલાવી શકો.
(૬)ક્યો ધંધો કરીએ તો દુકાને રેશનીંગ દુકાન જેવી ગ્રાહકોની લાઈન લાગે ?
કનુભાઈ પરમાર (દામનગર)
બુઢ્ઢા માટે બ્યુટીપાર્લર ખોલો.
(૭)તમે સવાલોના જવાબ ના આપો તો શું થશે?
બાલુભાઈ કિકાણી (લીલિયા)
વિશ્વયુધ્ધ ફાટી નીકળે તો પણ ના નહી!
(૮)તમે ગેસની લાઈનમાં ઉભા રહો છો?
રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
ના, વચ્ચેવચ્ચે બેસી જાઉં છું.
(૯)ખીચડીનુ સંશોધન કોણે કર્યુ છે?
હરેશભાઇ મકનભાઈ કાવઠિયા(નવા ઉજળા)
રોજ ખીચડી ખાઈ ને કંટાળ્યા છો એની દાઝ સંશોધન કર્યું એના પર ઉતારવી છે ને?!
(૧૦)માણસો સ્વાર્થી કેમ હોય છે?
ભરતભાઈ ડાંગર (ગળકોટડી)
બધા તો મારા અને તમારા જેવા ન હોય ને?!
(૧૧) ગેસનો બાટલો જોઈએ તો ખાનગીમાં કહેજો. વ્યવસ્થા કરી દઈશ.
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
આમ ખાનગીમાં મને બાટલો આપો તો એ વ્યવસ્થા નહી, અવ્યવસ્થા કરી કહેવાય.
(૧૨)એમ કેમ કહેવાય છે કે કાયદાને હાથમાં લેવો નહી?
જય દવે (ભાવનગર)
કેમ કે કાયદાના હાથ લાંબા હોય છે.
(૧૩)કમર અને કમરા વચ્ચે કેટલો તફાવત?
રામભાઈ પટેલ (સુરત)
મમરા અને મામેરા વચ્ચે હોય એટલો.
(૧૪)આપણી આંખમાં કણું પડે એ કેમ દેખાતું નહી હોય? રમાબેન પટેલ (અમદાવાદ)
આપણી આંખને કણું જ નહી ઘણું નથી દેખાતું.
(૧૫)ફિલ્મોમાં બતાવાય એ યુધ્ધ અને સાચા યુધ્ધ વચ્ચે શું તફાવત છે?
દર્શન પટેલ (વડોદરા)
સાચા યુધ્ધમાં ફિલ્મોની જેમ ઢેન ટેણેન.. ઢેન ટેણેન.. એમ સંગીત ન વાગતું હોય.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..











































