કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત ‘વીજળી (સુધારા) બિલ ૨૦૨૫’ ના વિરોધમાં આજે દેશભરમાં વીજ કર્મચારીઓ અને ઈજનેરોએ વિશાળ પ્રદર્શનો યોજ્યા હતા જેમા અમરેલીનું યુનિયન પણ જાડાયું હતુ. ‘ઓલ ઈન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશન’ (AIPEF)ના આહવાન પર આયોજિત આ વિરોધ પ્રદર્શનમાં બિલને ખેડૂત, ગ્રાહક અને કર્મચારી વિરોધી ગણાવી તેને પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે. AIPEFના ચેરમેન શૈલેન્દ્ર દુબેએ જણાવ્યું કે, આ બિલથી વીજ વિતરણનું ખાનગીકરણ વધશે અને પાંચ વર્ષમાં ‘ક્રોસ-સબસિડી’ નાબૂદ થવાથી ખેડૂતો તથા સામાન્ય ગ્રાહકો પર વીજ બિલનું ભારણ અસહ્ય વધશે. ગુજરાતમાં પણ GEBEAના નેતૃત્વ હેઠળ ૭,૦૦૦ ઈજનેરો અને ૪૦,૦૦૦ કર્મચારીઓએ વિવિધ કચેરીઓ સામે સૂત્રોચ્ચાર કરી ખાનગીકરણનો સખત વિરોધ નોંધાવ્યો હતો. આ સંગઠનોએ ચેતવણી આપી છે કે જો સરકાર આ બિલ પાછું નહીં ખેંચે તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.






































