અમદાવાદઃ હોમગાર્ડ્‌સના દૈનિક ભથ્થા મુદ્દે મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા ગુજરાત હાઇકોર્ટ જણાવ્યું છે કે, રાજ્ય એક આદર્શ નોકરીદાતા છે, અને તે પોતાના કર્મચારીઓનું શોષણ કરી શકતું નથી. કોર્ટએ રાજ્ય સરકારને એક મહિનાની અંદર નિર્ણય લેવા જણાવ્યું છે કે હોમગાર્ડ્‌સને મળતું દૈનિક ભથ્થું પોલીસ કર્મચારીઓને મળતા લઘુત્તમ વેતન મુજબ કરવામાં આવે.
આ મામલે અરજદાર રાજેશ જાની સહિત કુલ છ અરજદારોએ એડવોકેટ ઉમેશ ટી. મિશ્રા અને એચ.કે. ઠાકોર મારફતે અરજી દાખલ કરી હતી. આ અરજીની સુનાવણી જસ્ટિસ મૌલિક શેલતની કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી. અરજદારોની માંગ હતી કે હોમગાર્ડ્‌સને પણ નિયમિત સરકારી કર્મચારીઓ જેવી સુવિધાઓ અને યોગ્ય વેતન મળવું જાઈએ.
અરજદાર પક્ષે કોર્ટમાં રજૂઆત કરી હતી કે હાલ હોમગાર્ડ્‌સને દૈનિક માત્ર ૪૫૦ રૂપિયાનું ભથ્થું આપવામાં આવે છે, જે પોલીસ કર્મચારીઓને મળતા લઘુત્તમ પગાર કરતા ઘણું ઓછું છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હોમગાર્ડ્‌સના ભથ્થામાં બેઝિક સેલરી, ગ્રેડ પે, મોંઘવારી ભથ્થું અને વોશિંગ એલાઉન્સનો સમાવેશ થવો જાઈએ.
કોર્ટમાં જણાવાયું હતું કે વર્ષ ૨૦૨૧માં હોમગાર્ડ્‌સનું દૈનિક ભથ્થું ૩૦૦ રૂપિયાથી વધારીને ૪૫૦ રૂપિયા કરવામાં આવ્યું હતું. છતાં પણ આ રકમ પોલીસ કર્મચારીઓને મળતા લઘુત્તમ વેતન કરતા ઓછી છે અને કેન્દ્ર તથા સુપ્રીમ કોર્ટના આદેશોને રાજ્ય સરકાર અવગણી શકતી નથી.
રાજ્ય સરકાર તરફથી દલીલ કરવામાં આવી હતી કે, પહેલા હોમગાર્ડ્‌સને ૨૦૦ રૂપિયા દૈનિક ભથ્થું મળતું હતું, જે વધારીને ૩૦૦ રૂપિયા અને ત્યારબાદ ૪૫૦ રૂપિયા કરવામાં આવ્યું છે. ઉપરાંત તેમને મેડિકલ સુવિધા, મેસ એલાઉન્સ અને ખાસ ફંડ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે, જેના કારણે કુલ ભથ્થું લગભગ ૬૫૦ રૂપિયા જેટલું થાય છે.
રાજ્ય સરકારએ વધુમાં દલીલ કરી હતી કે, હોમગાર્ડ્‌સની સેવા સ્વૈચ્છિક સ્વરૂપની છે, જ્યારે પોલીસ કર્મચારીઓની ફરજ અઠવાડિયાના સાતેય દિવસ અને ૨૪ કલાક માટે હોય છે. હોમગાર્ડ્‌સને જરૂર મુજબ જ ડ્યુટી પર બોલાવવામાં આવે છે.પરંતુ કોર્ટે નોંધ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું પાલન કરવું દરેક રાજ્ય માટે ફરજિયાત છે. વર્ષ ૨૦૧૮માં પોલીસને મળતું લઘુત્તમ દૈનિક વેતન ૬૩૧ રૂપિયા હતું. જ્યારે મેસ એલાઉન્સ અંગે રાજ્ય સરકાર તરફથી પૂરતા પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી.
કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે રાજ્ય એક આદર્શ નોકરીદાતા છે અને તે પોતાના કર્મચારીઓનું શોષણ કરી શકતું નથી. સમાનતાના બંધારણીય અધિકારોનું પણ પાલન થવું જરૂરી છે. આથી ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને એક મહિનાની અંદર નિર્ણય લેવા આદેશ કર્યો છે કે, હોમગાર્ડ્‌સને મળતું ૪૫૦ રૂપિયાનું દૈનિક ભથ્થું વધારીને પોલીસ કોન્સ્ટેબલને મળતા લઘુત્તમ દૈનિક વેતન જેટલું કરવામાં આવે.