ગીર સોમનાથ જિલ્લામાંથી દુઃખદ અને હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામમાં રસ્તા પર પડેલા ૧૧ કેવીના હાઈટેન્શન વીજ તારના સંપર્કમાં આવતા બે યુવકોના મોત નીપજ્યાં છે. આ દુઃખદ ઘટના બાદ એક તરફ આખા ગામમાં માતમ છવાયો છે. તો બીજી બાજુ વીજ વિભાગની બેદરકારીને કારણે સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે.
મળતી માહિતી અનુસાર, ઘાંટવડ ગામના રસ્તા પર ૧૧ કેવીનો હાઈટેન્શન વીજળીનો જીવતો વાયર નીચે પડી ગયો હતો. આ તાર રસ્તા પર પડેલો હોવાથી બે યુવકો તેના સંપર્કમાં આવી ગયા અને ઇલેક્ટ્રિક શોક લાગવાથી ઘટનાસ્થળે જ તેમનાં મોત નીપજ્યાં હતા. મૃતકની ઓળખ રવિભાઈ ચુડાસમા અને લાલાભાઈ ઝાલા તરીકે થઈ છે.
આ ઘટના બન્યા બાદ આસપાસના લોકોમાં ભારે ભય અને રોષ ફેલાયો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, વીજ વિભાગની બેદરકારીને કારણે આવી ઘટનાઓ વારંવાર બની રહી છે. ખાસ કરીને વરસાદી મોસમમાં તારો ઢીલા પડી જવાથી અથવા જૂના તારોને બદલવામાં વિલંબ થવાથી આવી દુર્ઘટનાનું જાખમ વધી જાય છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વીજ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાએ ફરી એક વખત વીજ વિભાગની જાળવણી અને સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે. હાલમાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે, તો ગામમાં આ ઘટનાને લઈને ભારે ઉદાસી છવાઈ છે.