અમરેલી જિલ્લાના નાની કુંકાવાવ અને સનાળા મુકામે ‘સૌની યોજના’ લિંક-૪ અંતર્ગત વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે સંપન્ન થયું હતું. આ પ્રકલ્પ હેઠળ આશરે રૂ. ૧.૮૭ કરોડના ખર્ચે સ્કાવર વાલ્વ, પાઈપલાઈન, એર વાલ્વ ચેમ્બર અને એનર્જી ડિસીપેશન સ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય નર્મદાના નીરને સનાળા ગ્રામ્ય વિસ્તારના હયાત તળાવ સુધી પહોંચાડવાનો છે, જેનાથી અંદાજે ૨૦૦ હેક્ટર ખેતીલાયક જમીનને સિંચાઈનો સીધો લાભ મળશે. આ પ્રસંગે મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનને કારણે આજે નર્મદાના નીર ઘર-ઘર સુધી પહોંચ્યા છે અને સૌરાષ્ટ્રની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો છે. રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ ઉમેર્યું કે આ સુવિધાથી ખેતીપાકને પૂરતું પાણી મળશે અને ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરશે. આ કાર્યક્રમમાં સ્થાનિક પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.