અમરેલી શહેરના જેસીંગપરા વિસ્તારમાં નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અંદાજે ૧.૬૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી અત્યાધુનિક પ્રાથમિક શાળાનું લોકાર્પણ ઊર્જા અને કાયદા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. સાંસદ ભરતભાઈ સુતરીયાની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમ દ્વારા ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓને સ્માર્ટ બોર્ડ, પ્રયોગશાળા અને સુસજ્જ વર્ગખંડોની ભેટ મળી છે. મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે કટિબદ્ધ છે અને ટૂંક સમયમાં અમરેલી વિધાનસભાની તમામ પ્રાથમિક શાળાઓના મકાનો સો ટકા નવનિર્મિત થઈ જશે. શિક્ષણની સાથે વિસ્તારના વિકાસ પર ભાર મૂકતા મંત્રીએ ૨૭૨ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા રાધેશ્યામ બાયપાસના ખાતમુહૂર્તની પણ જાહેરાત કરી હતી, જેનાથી સ્થાનિક વાહનવ્યવહાર વધુ સુલભ બનશે. આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તુષારભાઈ જોશી અને પૂર્વ ચેરમેન પી.પી. સોજીત્રા સહિત નગરપાલિકાના હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.









































