શૈક્ષણિક જગતને હચમચાવી નાખે તેવા સમાચાર જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી સામે આવ્યા છે. ગીર સોમનાથના ઉનાના ભાચા ગામે આવેલી બી.એચ. નાંડોળા બી.એડ. કોલેજના સંચાલકો સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ઉનાના ભાચા ગામે કાર્યરત બી.એચ. નાંડોળા બી.એડ. કોલેજ પાસે માન્યતા ન હોવા છતાં, સંચાલકોએ વિદ્યાર્થીઓને અંધારામાં રાખી પ્રવેશ આપ્યો હતો. આટલું જ નહીં, સંચાલકોએ સત્તાધિકારીઓ અને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવા માટે એનસીટીસી દિલ્હીનો બનાવટી (ફેક) લેટર રજૂ કર્યો હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે.
કોલેજના સંચાલકોએ બોગસ લેટરનો ઉપયોગ કરી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સાથે છેતરપિંડી આચરી હોવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ ગંભીર બાબત સામે આવતા જ યુનિવર્સિટી એક્શન મોડમાં આવી છે અને તાત્કાલિક ધોરણે ૩ બોગસ કોલેજાની માન્યતા રદ કરી દીધી છે. આ મામલે કડક વલણ અપનાવતા યુનિવર્સિટીએ તત્કાલીન પ્રિન્સીપાલ  તેમજ એનસીટીસીનો બોગસ લેટર પૂરો પાડનાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માન્યતા વગરની કોલેજમાં પ્રવેશ લેનારા અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય હવે જાખમમાં મુકાયું છે. યુનિવર્સિટીએ સ્પષ્ટ કર્યું છે કે નિયમોનું ઉલ્લંઘન કરનારી અને નકલી દસ્તાવેજા રજૂ કરનારી શૈક્ષણિક સંસ્થાઓ સામે કોઈ પણ પ્રકારની નરમાશ રાખવામાં આવશે નહીં