સાબરકાંઠા એલસીબીએ શામળાજી-અમદાવાદ નેશનલ હાઇવે પર કાંકણોલ નજીક બાતમીના આધારે ટ્રકને રોકી તપાસ કરતાં પ્લાસ્ટિકના કટ્ટા નીચે સંતાડેલો કિં. રૂ. ૭૬,૬૬,૧૯૬ના વિદેશી દારૂના જથ્થા સાથે એક જણાને ઝડપી લીધો હતો. પોલીસે ટ્રક સહિત કુલ રૂ. ૯૨,૭૬,૧૯૬નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
એલસીબી પીઆઇ ડી.સી. સાકરીયા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, એક ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરી રાજસ્થાન-શામળાજી તરફથી આવી રહ્યો છે અને અમદાવાદ તરફ જવાનો છે. જે ટ્રક ઉપર તાડપત્રી મારેલી છે. આ બાતમીને આધારે પોલીસે નાકાબંધી કરી બાતમી મુજબની ટ્રક આવતાં તેને રોકીને તપાસ કરતાં પ્લાસ્ટિકના કટ્ટાની નીચે વિદેશી દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ, બિયરની પેટીઓ નંગ ૬૬૯, બોટલ નંગ ૧,૩૫૮૪ કિં.રૂ. ૭૭,૬૬,૧૯૬નો જથ્થો જપ્ત કરી પૂછપરછ કરી હતી.
પોલીસે ટ્રક સહિત વિદેશી દારૂનો જથ્થો કિં.રૂ. ૯૨,૭૬,૧૯૬નો મુદ્દામાલ જપ્ત કરીને ટ્રકના ચાલક દેવેન્દ્ર દાનારામ ગોમારા (રહે.ભીનમાલ)ની ધરપકડ કરી હતી. હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકમાં દેવેન્દ્ર દાનારામ જાટ તથા ભવાનસિંગ ચારણ (રહે. હનુમાનગઢ, રાજસ્થાન), દેવેન્દ્ર બિસ્નોઇ (રહે. સાંચોર) વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સાબરકાંઠા એલસીબી પીએસઆઇ એસ.જે. ચાવડા તથા ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી, તે વખતે બાતમી મળી હતી કે,બોલેરોમાં દારૂનો જથ્થો લઇ વિજાપુર-ગાંધીનગર થઇ અમદાવાદ તરફ મોકલાઈ રહ્યો છે. પોલીસે દેરોલ નજીક વોચ ગોઠવતાં બાતમી મુજબની કાર આવતાં તેને રોકી તપાસ કરતા રૂ. ૩,૨૦,૫૪૪નો દારૂ મળી આવ્યો હતો. પોલીસે બોલેરો મળી કુલ રૂ.૬,ર૧,૦૪૪નો મુદ્દામાલ જપ્ત કરી ચાલક આનંદ નારાયણભાઇ પંડવાળા (રહે.પાલપાદર, તા.બિંછીવાડા)ને ઝડપી લીધો હતો. જ્યારે હેરાફેરીમાં સંડોવાયેલા ઈશ્વર રાજપુત (રહે.ઉદેપુર) તથા અવધેશ ઉર્ફે રાજુ છારા (રહે. અમદાવાદ) વિરુદ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
એલસીબીના અપકો પ્રહર્ષકુમારને બાતમી મળી હતી, કેરાભાઈ કેવદાભાઈ રબારી (રહે.લાલોડા રોડ, ઈડર) પીટીસી કોલેજની સામે વિદેશી દારૂનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે તપાસ કરતાં કેરાભાઇ પાસેથી રૂ. ૪૩,૮૯૮ની કિંમતની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે કેરાભાઇ રબારી સહિત હરિરામ ઉર્ફે હરિયો (રહે.લાલોડા, ઈડર), યુવરાજ ઉર્ફે રાજુ (રહે.વડાલી) અને ખેરવાડાના કણબઈના રાજુ ખરાડી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.