ઉના શહેરના હાર્દ સમાન ગીર ગઢડા રોડ પર આવેલી ગોલ્ડન સિટી સોસાયટીમાં રાત્રિના સમયે સિંહ યુગલ આવી ચઢતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સોસાયટીની શેરી નંબર ૫ માં સિંહણે ૨૦ દિવસના વાછરડાનું મારણ કર્યું હતું અને તેને મોઢામાં દબાવી નિર્ભયપણે ફરતી જોવા મળી હતી. આશ્ચર્યની વાત એ છે કે, આ ઘટના વન વિભાગના આર.એફ.ઓ.ના નિવાસસ્થાનની તદ્દન નજીક બની હતી. સતત અવરજવર ધરાવતા રહેણાંક વિસ્તારમાં સિંહોના આગમનથી લોકોની સુરક્ષા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. રહેવાસીઓએ વન વિભાગ પાસે આ વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવાની ઉગ્ર માંગ કરી છે.










































