સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વાલેવડા ગામે યોજાયેલી બેઠક દરમિયાન રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રદેશ અધ્યક્ષ રમેશ ઠાકોરે અલ્પેશ ઠાકોર સામે ખુલ્લેઆમ નિશાન સાધ્યું હતું. તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે અલ્પેશ ઠાકોર સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને માત્ર કલાકારોના જારે લોકોની ભીડ એકત્ર કરી રહ્યા છે.
રમેશ ઠાકોરે જણાવ્યું હતું કે અગાઉ કાર્યક્રમમાં બે લાખ લોકો ભેગા કરવાની વાત કરવામાં આવી હતી, પરંતુ વાસ્તવમાં માત્ર દસ હજાર જેટલી ભીડ હાજર રહી હતી. તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે ઠાકોર સમાજમાંથી રાજકારણમાં ગયેલા લોકોએ સમાજના હિત માટે કોઈ નોંધપાત્ર કાર્ય કર્યું નથી. માત્ર પોતાનું રાજકીય ભવિષ્ય બનાવવામાં વ્યસ્ત રહ્યા છે, જ્યારે સમાજની મૂળભૂત સમસ્યાઓ યથાવત રહી છે.
વાલેવડા ગામે યોજાયેલી આ બેઠકમાં હાજર અગ્રણીઓએ પણ અલ્પેશ ઠાકોર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. રમેશ ઠાકોરે દાવો કર્યો હતો કે હાલ ઠાકોર સમાજનો મોટો વર્ગ અલ્પેશ ઠાકોરથી અસંતુષ્ટ છે અને હવે સમાજ પોતાનો સ્વતંત્ર માર્ગ પસંદ કરવા ઈચ્છે છે.
આ નિવેદનો બાદ ઠાકોર સમાજની આંતરિક રાજનીતિ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે અને આવનારા સમયમાં તેની રાજકીય અસર જાવા મળી શકે છે.







































