જાફરાબાદમાં વધુ એક પરિણીતાને સાસરિયાઓ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવાની ઘટના સામે આવી હતી. પરિણીતાની ફરિયાદના આધારે પોલીસે ઘરકામ બાબતે ઝઘડો કરી, મારપીટ કરનાર સાસરિયાઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જાફરાબાદની વડલી રબારી શેરીમાં રહેતા જીલુબેન પ્રતાપભાઈ ગોહિલ (ઉ.વ.૨૯)એ ગીરસોમનાથના ઉના તાલુકાના નેસડા ગામે રહેતા પતિ પ્રતાપભાઈ જોધુભાઈ ગોહિલ,સાસુ રાધુબેન જોધુભાઈ ગોહિલ, સસરા જોધુભાઈ ગોહિલ, જેઠ જસુભાઈ જોધુભાઈ ગોહિલ, દિયર જુવાનસિંહ જોધુભાઈ ગોહિલ તથા નણંદ વર્ષાબેન જોધુભાઈ ગોહિલ સામે ફરિયાદ નોંધાવી હતી.મળતી માહિતી મુજબ, પરિણીતાના લગ્નજીવન દરમિયાન તેના સાસરિયાઓએ ભેગા મળીને નાની-નાની બાબતોમાં હેરાનગતિ શરૂ કરી હતી. ખાસ કરીને ઘરકામ બાબતે ફરિયાદીને એન-કેન પ્રકારે શારીરિક અને માનસિક દુઃખ-ત્રાસ આપવામાં આવતો હતો. ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપ મુજબ, સાસરિયાઓ અવારનવાર ગાળો આપી ઝઘડો કરતા હતા અને વાત એટલી હદે વધી જતી કે પરિણીતાને ઢોર માર પણ મારવામાં આવતો હતો. એટલું જ નહીં, આરોપીઓએ પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ તમામ આરોપીઓએ એકબીજાને ગુનામાં મદદગારી કરતા પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી.







































