ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત ‘જન આક્રોશ યાત્રા – પરિવર્તનનો શંખનાદ’નો ત્રીજા તબક્કો આજથી વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાથી શરૂ થયો છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાના નેતૃત્વ હેઠળ શરૂ થયેલી આ યાત્રા આદિવાસી પટ્ટામાં ભાજપ સરકારની નિષ્ફળતાઓ અને લોકોમાં વ્યાપેલા રોષને વાચા આપવાનું માધ્યમ બનવાનો પ્રયાસ કરી રહી છે.
કપરાડામાં આયોજિત એક વિશાળ સભામાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં આજે લોકશાહીના નામે ભ્રષ્ટાચારનું શાસન ચાલી રહ્યું છે, અને સામાન્ય પ્રજાના હક્કોનું દમન કરવામાં આવી રહ્યું છે. તેમણે આ યાત્રાને માત્ર એક રાજકીય રેલી નહીં, પરંતુ પ્રજાના અધિકારો માટેની લડત ગણાવી હતી, અને દક્ષિણ ગુજરાતના ખૂણે ખૂણે જઈને ભાજપના શાસનની પોલ ખોલવાની નેમ વ્યક્ત કરી હતી.
અમિત ચાવડાએ પોતાના સંબોધનમાં આદિવાસી સમાજની સુરક્ષા અને તેમના સંસાધનો પરના અધિકારનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે, દેશના મૂળ માલિક ગણાતા આદિવાસીઓને ભાજપના શાસનમાં હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે. જળ, જંગલ અને જમીન જે આદિવાસી સમાજની ઓળખ અને આજીવિકા છે, તે તેમની પાસેથી છીનવી લેવાની વ્યવસ્થિત  પેરવી કરવામાં આવી રહી છે.
કોંગ્રેસ સરકાર દ્વારા આદિવાસીઓના કલ્યાણ માટે જે જંગલ અધિકાર કાયદો લાવવામાં આવ્યો હતો, તેનું અમલીકરણ કરવામાં વર્તમાન સરકાર સદંતર નિષ્ફળ રહી છે. હજારો આદિવાસી પરિવારો આજે પણ પોતાની જ જમીન પર અધિકાર મેળવવા માટે વલખાં મારી રહ્યા છે અને તેમના હજારો દાવાઓ સરકારી કચેરીઓમાં ધૂળ ખાઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં આદિવાસી યુવાનો અને વડીલોમાં સરકાર પ્રત્યે ભારે નારાજગી જાવા મળી રહી છે, જેને આ જન આક્રોશ યાત્રા દ્વારા એક મજબૂત અવાજ મળી રહ્યો છે.
ભ્રષ્ટાચારના મુદ્દે સરકારને ઘેરતા કોંગ્રેસ પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં વિકાસના નામે માત્ર કમિશન રાજ ચાલી રહ્યું છે. સરકારી તંત્રમાં એવી સ્થિત  સર્જાઈ છે, કે કોઈપણ કામ કમિશન વગર શક્ય  નથી. ભલે તે મનરેગા યોજના હોય, નળ જળ યોજના હોય કે ગ્રામીણ વિસ્તારોમાં રસ્તા અને બ્રિજ બનાવવાનું કામ હોય, ભાજપના નેતાઓ અને સત્તાધીશો દ્વારા દરેક સ્તરે ખુલ્લી લૂંટ ચલાવવામાં આવી રહી છે. એક તરફ સરકાર પોતાની જાહેરાતો અને ઉત્સવોમાં જનતાના કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે, તો બીજી તરફ સામાન્ય માણસને પીવાનું શુદ્ધ પાણી કે અવરજવર માટે પાકા રસ્તા પણ નસીબ નથી થઈ રહ્યા. જર્જરિત રસ્તાઓ અને અધૂરી પડેલી પાણીની યોજનાઓ ભાજપના પોકળ વિકાસની સાબિતી આપી રહી છે. આ ભ્રષ્ટાચારના કારણે વિકાસના કામોની ગુણવત્તા જાખમાઈ છે અને પ્રજાના પૈસાનું પાણી થઈ રહ્યું છે.
શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓ અંગે પણ કોંગ્રેસે સરકારને ભીંસમાં લીધી હતી. કપરાડા અને તેની આસપાસના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ વ્યવસ્થા ભાંગી પડી હોવાનો દાવો કરતા કોંગ્રેસ નેતાઓએ જણાવ્યું કે, આંગણવાડીઓથી લઈને પ્રાથમિક શાળાઓની હાલત દયનીય છે. પૂરતા શિક્ષકો અને સુવિધાઓના અભાવે આદિવાસી બાળકોએ ભણવા માટે જાખમી મુસાફરી કરીને દૂર-દૂર સુધી જવું પડે છે. આરોગ્ય સુવિધાઓની વાત કરીએ તો આ વિસ્તારોમાં સરકારી હોસ્પિટલો  માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે, જ્યાં ડોક્ટરો કે દવાનો અભાવ કાયમી સમસ્યા છે. આ ઉપરાંત રોજગારીના અભાવે સ્થાનિક યુવાનોએ પોતાના પરિવારને છોડીને શહેરો તરફ હિજરત કરવી પડી રહી છે. સ્થાનિક સ્તરે ઉદ્યોગો કે રોજગારની કોઈ તક ઊભી કરવામાં સરકાર નિષ્ફળ રહી છે, જેના કારણે દક્ષિણ ગુજરાતનો યુવા વર્ગ આજે નિરાશામાં ગરકાવ છે.
આ યાત્રાના આયોજન અંગે કોંગ્રેસ સમિતિએ જણાવ્યું છે કે, આગામી દિવસોમાં આ યાત્રા વલસાડથી આગળ વધીને નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ અને નર્મદા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પરિભ્રમણ કરશે. દરેક જિલ્લામાં જન સંવાદ કાર્યક્રમો, યુવા બાઈક રેલીઓ અને જાહેર સભાઓનું આયોજન કરવામાં આવશે, જેથી કરીને છેવાડાના માનવી સુધી પહોંચી શકાય. આ પૂર્વે ઉત્તર અને મધ્ય ગુજરાતના ૧૪ જિલ્લાઓમાં ૨૭૦૦ કિલોમીટરથી વધુનો પ્રવાસ ખેડીને કોંગ્રેસે જનતાનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરી રહી છે અને હવે તે જ જાશ દક્ષિણ ગુજરાતમાં જાવા મળી રહ્યો છે.
આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી સમયમાં જનતાના પાયાના પ્રશ્નોને વિધાનસભા સુધી પહોંચાડવાનો અને ભાજપના કથિત વિકાસના મોડલને જનતાની સામે ખુલ્લું પાડવાનો છે. ૧૨ ફેબ્રુઆરીએ ડેડીયાપાડા ખાતે આ યાત્રાના ત્રીજા તબક્કાનું સમાપન કરવામાં આવશે.