જાફરાબાદ તાલુકાનું બાબરકોટ ગામ આજે સમગ્ર ગુજરાત માટે સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે. તાજેતરમાં ગામમાં ૧૯માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ જ્ઞાતિના ૫૦ યુગલોએ સમૂહમાં પ્રભુતામાં પગલાં પાડ્‌યા હતા. આ આયોજનની સૌથી મોટી વિશેષતા એ છે કે છેલ્લા ૧૯ વર્ષથી આ ગામમાં એક અનોખી પરંપરા જળવાયેલી છે. ગામના કોઈપણ પરિવારે, પછી તે ગમે તે જ્ઞાતિના હોય, આ સમૂહ લગ્ન સિવાય અલગથી લગ્ન પ્રસંગ યોજ્યો નથી. શ્રીમંત હોય કે મધ્યમ વર્ગ, તમામ પરિવારો ભેગા મળીને એક જ મંડપ નીચે પોતાના સંતાનોના લગ્ન કરાવે છે.