અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓનો વસવાટ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. સિંહ-દીપડા હવે જંગલ વિસ્તાર છોડી રેવન્યૂ વિસ્તારમાં આંટાફેરા કરી રહ્યાં છે. જેમાં જાફરાબાદના બાલાનીવાવ નજીક રસ્તો ઓળંગતી વખતે દીપડી વાહનની હડફેટે આવતા તેનુ મોત નિપજ્યુ હતુ. જાફરાબાદના બાલાની વાવ ખાતે સોમવારના વહેલી સવારના રોજ દીપડી રસ્તો ઓળંગતી હતી ત્યારે એક પૂરઝડપે આવતા વાહને દીપડીને હડફેટે લેતા દીપડીનુ ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ. આ ઘટનાની જાણ થતા વનવિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે આ વિસ્તારમાં વન્યપ્રાણીઓની અવરજવર મોટી સંખ્યામાં હોવાથી ઘણીવાર વન્યપ્રાણીઓના વાહન અડફેટે મોત નિપજે છે. જેમાં દીપડીનુ મોત થતા વનવિભાગે અજાણ્યા વાહનચાલકની શોધખોળ શરૂ કરી છે.










































