સાવરકુંડલા શહેરના કેવડાપરા વિસ્તારમાં ગાયત્રી મંદિર પાછળ આવેલા એક રહેણાંક મકાનમાં પુરવઠા વિભાગે દરોડા પાડી રેશનિંગના અનાજનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. નાયબ મામલતદાર પાઠક અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી આ આકસ્મિક રેડમાં અંદાજે રૂ.૧.૧૯ લાખની કિંમતના ઘઉં અને ચોખાનો અનઅધિકૃત જથ્થો મળી આવ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ, આ જથ્થો સાવરકુંડલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના રેશનકાર્ડ ધારકો પાસેથી ઉઘરાવીને અહીં એકઠો કરવામાં આવ્યો હોવાનું મનાઈ રહ્યુ છે. સરકારી અનાજની આ કાળાબજારીની આશંકાને પગલે સમગ્ર પંથકમાં ભારે હડકંપ મચી ગયો છે. હાલ પુરવઠા વિભાગ દ્વારા અનાજ સીલ કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.










































