અમરેલી નગર સેવા સદનના વોર્ડ નં. ૮ ના સદસ્ય સંદિપભાઈ ઘનશ્યામભાઈ માંગરોળીયાએ રાજ્યના મંત્રી અને ભાવનગરના પ્રભારી કૌશિકભાઈ વેકરીયાને પત્ર લખીને વલ્લભીપુર-મઢીયા વાયા કલ્યાણપુર માર્ગનું આધુનિકીકરણ કરવા રજૂઆત કરી છે. પત્રમાં જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રના મધ્ય જિલ્લા અમરેલી સહિતના લોકોને અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા અને મુંબઈ આવવા-જવા માટે વલ્લભીપુર-મઢીયા વાયા કલ્યાણપુર રોડ ખૂબ જ મહત્વનો છે. હાલમાં આ સિંગલ પટ્ટી રોડ પર મોટા પ્રમાણમાં ટ્રાફિક રહે છે. જો આ માર્ગને ભાવનગર-ધોલેરા એક્સપ્રેસ વે સાથે સંકલિત કરી પહોળો બનાવવામાં આવે તો સમય અને નાણાંનો બચાવ થશે અને પરિવહન સરળ બનશે. સંદિપભાઈએ રજૂઆતમાં જણાવ્યું છે કે, આ માર્ગ ૨૦ કિ.મી. લંબાઈ અને ૧૦ મીટર પહોળાઈ સાથે સુવિધાપૂર્વક બનાવવો જોઈએ. જેનાથી કલ્યાણપુર સહિતના નજીકના ગામોના સ્થાનિક વાહન વ્યવહારને પણ લાભ થશે. આ રસ્તાના આધુનિકીકરણથી દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓના યાંત્રિક વ્યવહારો અને રોજગારીને પણ વેગ મળશે. અંતમાં, હાલ ચાલી રહેલા માર્ગોના નવીનીકરણ સાથે આ કામને પણ બજેટમાં સમાવી સત્વરે જોબ નંબર ફાળવવામાં આવે તેવી ભારપૂર્વક માંગ કરવામાં આવી છે.










































