થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણીને લઈને અમરેલી જિલ્લા પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ નશાખોરો પર લગામ કસવા માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના ૧૦૦ અને દારૂના ૩૧ જેટલા કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ અમરેલીમાં પ્રવેશતા તમામ મુખ્ય માર્ગો પર ૩૧ જેટલી ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી હતી. ખાસ કરીને ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દીવથી પરત ફરતા પ્રવાસીઓ અને નશાખોરોને ઝડપી પાડવા માટે પોલીસે રાતભર ચેકિંગ ચાલુ રાખ્યું હતું.
આ સમગ્ર ઓપરેશનનું મોનિટરિંગ એએસપી કક્ષાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. એએસપી જયવીર ગઢવી સહિતના ઉચ્ચ અધિકારીઓ પોતે હાઈવે પર ઉતરીને ચેકિંગમાં જોડાયા હતા. અલગ-અલગ ટીમો બનાવીને વાહન ચાલકોનું બ્રેથ એનાલાઈઝર દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
અમરેલી જિલ્લાના રાજુલા, ખાંભા, ટીમ્બી અને સાવરકુંડલા સહિતના પોલીસ મથકોમાં નશાખોરો વિરુદ્ધ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. દીવ તરફથી નશો કરીને આવતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી હતી અને સ્થળ પર જ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની આ કડક કાર્યવાહીને પગલે નશાખોરોમાં ફફડાટ ફેલાયો હતો, જ્યારે શાંતિપ્રિય નાગરિકોએ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી.
છેલ્લા બે દિવસથી અમરેલી પોલીસ ૩૧ ડિસેમ્બરના લોન લઈને એલર્ટ હતી અને ચાવંડ, સાવરકુંડલા, ટીંબી, ખાંભા, લાઠી, અમરેલી સહિતના ગામોમાં ચેકપોસ્ટો ગોઠવી હતી. જે ચેકપોસ્ટ પર નિયમિત ચેકિંગ થતું હતું અને રિંગ ડ્રાઈવ અહીં રોજ થતી હતી ત્યારે દીવ અમરેલીથી નજીક હોય અને ડ્રીંક કરીને અમરેલીમાં પ્રવેશતા લોકો પર પોલીસની તવાઈ હતી અને ૧૩૧ લોકો પર કુલ દારૂના કેસ અમરેલી પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા.










































