ધોરાજીના જૂનાગઢ રોડ પર મોરબી-બાટવા રૂટની એક એસ.ટી. બસ ડાઈવર્ઝન રસ્તા પર પલટી મારી જતાં ૨૦ જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ થવા પામી હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જૂનાગઢથી જમનાવડ તરફ જતી આ સરકારી એસ.ટી. બસમાં કુલ ૪૫ જેટલા મુસાફરો સવાર હતા. ધોરાજી શહેરમાં જમનાવડ રોડ પર ચાલી રહેલા નવા રોડના કામને કારણે અહીં ડાયવર્ઝન કાઢવામાં આવ્યું છે. આ ડાયવર્ઝનનો રસ્તો અત્યંત નાનો, ખાડા-ખબડાવાળો અને નિયમ પ્રમાણે સુરક્ષિત ન હોવાથી વાહનચાલકો માટે ખતરારૂપ છે. સાંજના સમયે આ બસ આ ડાયવર્ઝન પરથી પસાર થઈ રહી હતી ત્યારે નબળા અને સાંકડા રસ્તાને કારણે રોડ પરથી નીચે ઉતરી જઈને રોડ કાંઠે પસાર થતી માઇનોર કેનાલ તરફ પલટી મારી ગઈ હતી. અકસ્માત થતાં જ આસપાસના કારખાનેદારો, મજૂરો અને રાહદારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. તેમણે સેવાભાવી યુવકોની મદદથી ૧૦૮ એમ્બ્યુલન્સ અને ખાનગી એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઈજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢી ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે પહોંચાડ્યા હતા. હોસ્પિટલ ખાતે ડાક્ટર રાજ બેરા અને અન્ય ડોક્ટરો દ્વારા તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, જેમાં ચાર જેટલા મુસાફરોને વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા.








































