લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના સઘન પ્રયાસોથી બાબરા તાલુકાના ઉંટવડ અને રાયપર ગામને જોડતા માર્ગને રિસર્ફેસીંગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૨.૧૦ કરોડનો માતબર ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ મંજૂરીથી લાંબા સમયથી બિસ્માર હાલતમાં રહેલા આ માર્ગના રિસર્ફેસીંગથી પ્રવાસીઓ અને સ્થાનિકોને મોટી રાહત મળશે. ઉંટવડ અને રાયપર ગામ વચ્ચેનો આ રોડ આસપાસના અનેક ગામો માટે મુખ્ય પરિવહન માર્ગ તરીકે કાર્યરત છે. રોડની ખરાબ સ્થિતિને કારણે ગ્રામજનોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડતી હતી. આ સમસ્યા ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના ધ્યાન પર આવતા, તેમણે તાત્કાલિક આ માર્ગને રિસર્ફેસીંગ કરવા માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી. ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ આ અંગે જણાવ્યું હતું કે, લાંબા સમયથી આ રોડની સ્થિતિ ચિંતાજનક હતી, જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડતી હતી. રાજ્ય સરકારે આ રજૂઆતને ધ્યાને લઈ તાત્કાલિક આટલી મોટી રકમ મંજૂર કરી છે, તે બદલ હું મુખ્યમંત્રી અને માર્ગ-મકાન મંત્રીનો આભાર વ્યક્ત કરું છું. આ રોડનું કામ પૂર્ણ થવાથી ઉંટવડ, રાયપર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘણો ફાયદો થશે અને તેમનો સમય તથા શ્રમ બચશે.









































