ચલાલા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના જ બહુમતી સભ્યોએ ગઈકાલે ચલાલા નગરપાલિકાના ચીફ ઓફિસરને રૂબરૂ મળી લેખિતમાં અવિશ્વાસ દરખાસ્તનો પસ્તાવ રજૂ કરતા ચલાલા નગરપાલિકાનું રાજકારણ ગરમાયું હતું. નગરપાલિકામાં ૨૪ એ ૨૪ સભ્યો ભારતીય જનતા પાર્ટીના છે. તેમાંથી વોર્ડ નંબર ૨ ના સદસ્ય મુક્તાબેન કૌશિકભાઈ પરમારે કુલ ૨૦ ભાજપના જ સદસ્યોની સંમતિવાળી અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરેલ હતી. જેના અનુસંધાને ચલાલા નગરપાલિકાના મહિલા પ્રમુખ શ્રીમતી નયનાબેન વનરાજભાઈ વાળા અને ઉપપ્રમુખ પ્રવીણભાઈ બાવચંદભાઈ માલવીયાએ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખને પત્ર લખી જણાવેલ છે કે અમોને કુલ ૧૧ સદસ્યોનું સમર્થન છે. અને અમો ૧૧ સદસ્ય એકી સાથે છીએ. અમો એકપણ સદસ્ય અવિશ્વાસ દરખાસ્તની તરફેણમાં નથી. જિલ્લા ભાજપ પ્રમુખને પત્ર લખી મોટો ખુલાસો કરતા જણાવ્યું કે ગઈકાલે અમારી વિરુદ્ધમાં નગરપાલિકાના બહુમતી સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી એ માત્ર જૂઠું તુત છે. વધુમાં જણાવ્યું કે, અમોને અમારા સહિત કુલ નગરપાલિકાના ૧૧ સદસ્યોનું સમર્થન છે. અને અમો બધા એકી સાથે છીએ તો પછી ૨૦ સભ્યો તેની સાથે કઈ રીતના હોઈ શકે. અમો વહેલી તકે નગરપાલિકામાં જનરલ બોર્ડ બોલાવી કોણ કોની સાથે છે તે સાબિત કરી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી આપવાના છીએ. અમો ભારતીય જનતા પાર્ટીના સન્નિષ્ઠ કાર્યકરો છીએ. અમો પાર્ટી સાથે સંકલનમાં રહી પાર્ટીના આદેશ પ્રમાણે કાર્યો કરીશું.