‘‘બાપજી બહુ ભલા છે.‘‘ વિષ્ણુ કહેતો હતો: ‘‘દુઃખિયાના દુઃખ દૂર કરે છે. વાંઝિયાને ઘેર પારણાં બાંધે છે. અંગની પીડા દૂર કરે છે અને રોગીઓના રોગ હરે છે…. જો, એકવાર એમનો ધબ્બો તમારા વાંહામાં પડી ગયોને, તો બાપા, તમારો બેડો પાર થઇ ગયો સમજો… બાપજી બહુ ભલા છે…‘‘ અને ધીરે ધીરે અત્યાર સુધી એક વિષ્ણુ સિવાય સૂમસામ રહેતા સુજાનગઢ ગામના આથમણા પાદરે આવેલા સુજાનેશ્વર મહાદેવના મંદિરે ભક્તજનોનું કિડીયારું ઉભરાઇ ગયું…. ગામના અબાલ-વૃધ્ધ, નર-નારી, બાળકો, સ્ત્રીઓ, યુવાન છોકરીઓ પણ કહ્યાગરો કંથ મેળવવાને વાસ્તે આશિર્વાદની પ્રસાદી લેવા પડાપડી કરવા લાગી. એમાં ના નહીં કે બાપજીએ દાખલારૂપે એક બે જણાને માલામાલેય કરી દીધા હતા પણ એ તો ‘‘કાગને બેસવું ને ડાળને ભાંગવું‘‘ જેવો ઘાટ થયો હતો. એમ કાંઇ બાપજી એવા કોઇ સિધ્ધ પુરુષ તો નહોતા છતાં પણ એમનો પ્રભાવ એવો જરૂર હતો. વર્ણન કરવાની છૂટ લઇએ તો… કસાયેલું શરીર, વિશાળ કપાળ, કપાળ ઉપર ત્રિપુંડ તાણેલુ રહેતું અને એમાં ભગવાનનું ત્રિનેત્ર ચિતરાયેલું રહેતું. લાંબી જટાજૂટ દાઢી અને શરીરમાંથી આવ્યા કરતી સુખડ ચંદનની મહેક ! ભગવું પિતાંબર અને ભગવો ખેસ.. ગળામાં નાના મોટા રૂદ્રાક્ષની ત્રણચાર માળા, બાહુઓ ફરતે પણ બાંધેલા રૂદ્રાક્ષના કાંડિયા, વિશાળ અને સામેવાળાને અનોખા સંમોહનમાં ડૂબાડી દે તેવી આંખો, મુસ્કાનભર્યા બંધ હોઠ, દસેય આંગળીઓમાં દસેય ગ્રહની રૂપુ, ચાંદી, ત્રાંબુ અને સોના શા ધાતુથી મઢાવેલી પાંચ પાંચ વીંટી…. આ તમામ પાસાનો સરવાળો એમના વ્યક્તિત્વમાં અનેરી આભા બક્ષતા હતા. બાપજી ફરતા ફરતા હજી તો પંદર દિવસ પહેલા આવ્યા હતા અને પંદર વીસ દિવસમાં તો સુજાનગઢની જાનને બેય હાથોમાં તેણે કેદ કરી લીધી હતી…
આ મંદિર વર્ષો પહેલા આ ગામમાંથી સ્થળાંતર કરી ગયેલા અને હવે દક્ષિણ આફ્રિકામાં ધંધાર્થે સેટ થઇ ગયેલા પરિવારના એક મોભીએ બનાવેલું. પણ, લગભગ ત્યારથી અપૂજ જ પડ્યું રહેલું. ક્યારેક ક્યારેક હરતા ફરતા કોઇ સાધુ સંન્યાસી આવી ચડતા તો પાંચ પંદર દિવસ રોકાતા. પછી ક્યાં જતા રહેતા એ જ ખબર નહોતી પડતી. કોઇ કહેતું કે મંદિર ‘બાદ‘ (ભેદ) વાળું છે. કોઇ વળી એમ બહાનું કાઢતું કે રાત્રે સફેદ રંગનો નાગ ત્યાં આવે છે. કોઇ વળી એમ કહેતું કે પરિવાર વાળાએ મંદિરની પડખે પૂજારી માટે જે બે ઓરડાવાળી મઢુલી ઉતારી દીધી છે એમાં ભૂત થાય છે…! પણ એ તો જે હોય તે પરંતુ અહીં કોઇ ટકતું નહીં. રહેતા રહેતા હવે મંદિર ખળભળી ગયું હતું. પણ વળી ગામના એક શિક્ષકે મહેનત કરી અને સૌ પાસે ફાળો ઉઘરાવ્યો. પંદર-સત્તર હજાર જેટલો ફાળો આવ્યો અને ગામના જ બે કડિયાઓએ શ્રમદાન કર્યું તો અંદર ઉખડી ગયેલા પ્લાસ્ટરના ખોભળા કાઢીને રિપેરીંગ કર્યું અને કંઇક ઠીક થયું. ગામનો એક સીધો સાદો જણ નામે ‘વિષ્ણુ‘, એ મહાદેવની સવાર સાંજ સેવા-પૂજા કરવા વળી તૈયાર થયો. અને સ્કૂલના વિદ્યાર્થીઓએ વળી પંદર વીસ દિવસ મહેનત કરી અને ચોગાન સરખું કરી કાંટાની વાડ કરી અને અંદર ફૂલછોડ વાવ્યા. તો બધાને ગમ્યું….
હવે મંદિર કંઇક ‘‘મંદિર‘‘ જેવું લાગી રહ્યું. દર્શન કરવા વાળા પાંચ પચ્ચીસ શરૂ થયા. ડોશીઓનું સત્સંગ મંડળ ચાલું થયું. એમાં જ આ બાપુની પધરામણી થઇ. બાપુ થેલામાં જુદા જુદા પત્થર, અકીક, મોતી, શૃંખલા અને રૂદ્રાક્ષની માળાઓ રાખતા. જુદા જુદા ગ્રહોના નંગ રાખતા. કોઇ કહે કે બાપજી ધંધામાં બરકત નથી તો બાપજી કહે કે: ‘‘તારો બુધ નબળો છે. ચાર બુધવાર કોરા મગ ખાઇને કર અને જો થાય ભડાકો.‘‘ આમાને આમાં શાકભાજીની લારીવાળાને તડાકો પડી ગયો.
એક તો રોકડીયો ધંધો અને એમાં બાપુએ આપ્યો બુધનો નંગ. તાંબાની વીંટીમાં જડાવીને એણે પહેર્યો ને બટેટા પંદર રૂપિયે કિલોમાંથી ડાયરેક્ટ પાંત્રીસના કિલો થઇ ગયા. શાકભાજીવાળો મોબાઇલ સમાચારપત્ર. ઠેકાણે ઠેકાણે કહેતો જાય કે ‘‘બાપુ બહુ પ્રતાપી. બાકી, કંઇક તો છે એમનામાં…! કેમ કે, હું ન્યાલ થઇ ગયો…‘‘
હીરાનો વેપારી કહે: ‘‘મંદીનું જોર છે બાપુ.‘‘ બાપુ કહે: ‘‘આથમણેથી હીરા વેચવાના નહીં, ઉગમણેથી કર.‘‘ એમાં બરાબર સવારનો પહોર અને કોઇનું પડી ગયેલું હીરાનું પડીકું હાથમાં લાગ્યું, જપ્પ કરતું નાખ્યું ખિસ્સામાં ! છાનામાના જોયું તો હીરા. હીરા હતા તો કિંમતી, સ્હેજેય બે લાખના… હીરાવાળો ગામમાં આવીને બાપુના પગમાં લાંબોલહ થઇ ગયો.: ‘‘બાપજી, દક્ષિણા શું આપું?‘‘
‘‘એકબાર લડ્ડુ ખિલાદે બચ્ચા… હમકુ ઔર કુછ નાહીં ચાહિયે.‘‘
‘‘અરે બાપજી, એ શું બોલ્યા !‘‘ હીરાવાળો ગદગદ થઇ ગયો. ‘‘એક બાર ક્યા, હજાર બાર ખિલાદું…‘‘
એક કુંભાર ભગત આવ્યા બોલ્યા: ‘‘ બાપજી, ધંધામાં કમાણી નથી.‘‘
બાપુ કહે: ‘‘તુમ તો માનસરોવર કે હંસ હો. ઇસ ખાબોચિયે મેં ક્યું પડે હો ?‘‘ જવાબમાં કુંભાર કહે ‘‘તો ક્યાં જાવું ?‘‘
‘‘અરે તુમ્હારી પાસ તો ઐસા હુન્નર હૈ કિ મંદી કભી ના આવે. ઐસા કરો નવરાત્રિ આ રહી હૈ… ગરબે બનાકર સુરત ચલે જાઓ. ઔર દેખો.‘‘ અને ભગત માંડ્યા ગરબા બનાવવા. ચાકડો મંડ્યો ફરવા. ખટારો ભરીને ગયા અને કોથળો ભરીને પૈસા લાવ્યા….
વિષ્ણુ એટલે જ કહેતોઃ ‘‘બાપજી ભલા છે. દીન દુઃખિયાના બેલી અને થાકેલાનો વિસામો છે…‘‘
ત્યારે વિષ્ણુની ઘરવાળી જીમીએ કહ્યુ: ‘‘મારા ભોળા ભરથાર તમે ગામની જ સેવા કરશો કે આપણાં ઘરનુંય કાંઇક સાજુ કરશો ? તમે પણ બાપજી પાસે જઇને કાંઇક માંગોને !
વિષ્ણુ કહે: ‘‘મને મારી જીંદગીથી સંતોષ છે. મને બધું જ મળી ગયું છે. મારે કાંઇ જોતું નથી.‘‘
‘‘પણ મારે હજી કશુંક જોઇએ છે. મને તો કેટલુંય ખૂટે છે. આપણું ઘર પડીને પાદર થઇ ગયું છે. બે માળ વાળો બંગલો કરવો છે. એક ગાડી લેવી છે, એક સારો મોબાઇલે ’ય લેવો છે. અત્યારે તો દુનિયા કેટલી બધી ઝડપથી આગળ વધી રહી છે અને તમે કેટલા બધા પાછળ છો ? કંઇ ગતાગમ પડે છે કે નહીં તમને ?‘‘
વિષ્ણુ બોલ્યો: ‘‘જેમ આવ્યા ’તા એમ જ જવાનું છે, હવે કાંઇ જિજિવિષા નથી.‘‘
‘‘તો હું બાપજી પાસે જઇશ.‘‘ જીમી પગ પછાડીને બોલી અને તે દિવસે સાંજે જ જીમી બાપુ પાસે પહોંચી ગઇ…
***
રાત અડધી વીતી ચૂકી હતી. ત્યારે ગામધણી ગણાતા અને આબરૂદાર એવા જાલુભા બહારગામથી ઘોડી ઉપર અડધી રાત્રે ઘરે આવી રહ્યા હતા. પણ ત્યાં જ મંદિર પડખેથી નીકળ્યા અને ચમક્યા. કોઇ સ્ત્રી આકાર અંધારામાં ગરક થઇ ગયો. થોડીવારે ભગવા વસ્ત્રોમાં બાપુ પણ અંદર જતા રહ્યા. લાઇટ બંધ થઇ ગઇ. જાલુભા બાપુ કશું બોલયા વગર ચૂપચાપ જતા રહ્યા…
અઠવાડિયા પછી તેણે જોયું તો બાપજી વિષ્ણુના ઘરેથી પાછા આવી રહ્યા હતા. સાથોસાથ વિષ્ણુ પણ હતો. મંદિરે બાપજીને મૂકીને પાછો વળ્યો ત્યારે જાલુભાએ વિષ્ણુને બોલાવ્યો. વિષ્ણુએ આવીને જાલુભાને રામરામ કર્યા. જાલુભાએ પ્રસ્તાપિત વાત માંડીને પછી કહ્યું:
‘‘ ભાઇ, વિષ્ણુ, તારા ગુરૂની ચાલ ચલગત મને સારી દેખાતી નથી. એટલે તને એ બાબતનું ધ્યાન દોરું છું કે એમને તારા ઘરે બહુ આવરો-જાવરો કરાવતો નહીં.‘‘
જવાબમાં વિષ્ણુએ કહ્યું:
‘‘ના રે ના બાપુ. એ તમારી ગલતફેમી છે. બાપજી તો દેવપુરૂષ છે. દેવપુરૂષ ! મને એમણે કહ્યું કે હિમાલયમાં દસ વરસ એક પગે તપ કરીને તેમણે ‘કામ‘, ‘ક્રોધ‘, ‘મોહ‘, ‘લોભ‘ ને બાળી મૂક્યા છે.‘‘
‘‘એ બધી વાત સાચી અને ક્રોધ, લોભ, મોહ સારા, પણ ‘કામ‘ જ્યારે વાસનાનું રૂપ ધારણ કરે ત્યારે માણસભક્ષી વાઘ જેવો બની જાય છે. વાઘ એકવાર માણસનું લોહી ચાખી જાય પછી એ માણસનો જ શિકાર કરે છે… મેં પુરી તપાસ કરી પછી તને કહ્યું છે, છતાં તને ગમતું ન જ લાગતું હોય તો તને કહેવાનો કોઇ મારો અધિકાર નથી.‘‘
પણ વિષ્ણુ ઇશારો સમજ્યો નહીં. બાપજી હવે તો રોજ એક આંટો વિષ્ણુના ઘરે મારતા થઇ ગયા હતા…. બાપજી જીમીને હવે મોબાઇલમાં ડાઉનલોડ થયેલા ચિત્રો અને પિક્ચરો પણ બતાવતા હતા. એકવાર તેણે મોબાઇલમાં રહેલા ફોટા જીમીને બતાવતા કહ્યું: ‘‘જીમી, ઇસકો પહચાન લો તો યે મોબાઇલ તુઝે ભેટ મેં દે દું…‘‘ અને જીમીએ એક જ ક્ષણમાં ઓળખી બતાવ્યું ‘‘લે, બાપજી એમ થોડી તમારા ચેલા જેવી મૂરખ છું કે ઉલ્લુ બની જાઉં. આ ફોટો તો તમારો… બોલો સાચું ને ?‘‘ જવાબમાં બાપુએ તેના લાલ લાલ ગાલ ખેંચી લીધા. ‘‘યુ ચુલબુલી…. ‘‘ અને જીમી પાગલ થઇ ગઇ બાપજીની આ અદા ઉપર ! આજે પૂનમ હતી. મંદિરે હવન રાખ્યો હતો. મથુરાથી ગુરૂના બીજા ગુરૂભાઇ આવવાના હતા. વિષ્ણુને આખો દિવસ મંદિરે જ રહેવું પડ્યું. આમ ને આમ રાત પડી ગઇ. થાક્યો તો એવો કે મંદિરે જ લોથપોથ થઇ સૂઇ ગયો. છેક માથા સુધી સૂરજ ચડ્યો ત્યારે જાગ્યો. ‘‘બહુ મોડુ થઇ ગયું… બહુ મોડું થઇ ગયું…‘‘ કરતો કરતો મઢુલીમાંથી બહાર નીકળ્યો તો બાપુ નહોતા કે નહોતા એમના ગુરૂભાઇ… ‘‘ક્યાં ગયા હશે ?‘‘ બબડતો બબડતો ઘરે આવ્યો તો, ઘર જીમી વગરનું ખાલીખમ ઉઘાડું ફટાક પડ્યું હતું. અચાનક તેની નજર સામે ખીંટી ઉપર ગઇ તો પોતાના લેંઘા ઝભ્ભાને બદલે બાપજીના ભગવાની જોડ ટીંગાતી હતી !!!











































