ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થવાનું છે. ત્યારે અમિત શાહ આગામી ૧૩ અને ૧૪ સપ્ટેમ્બરે ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. દિલ્હી ટુ ગુજરાતની કેટલીક નેતાઓની સફરને કારણે ગુજરાતમાં રાજકીય ઘટનાક્રમ સર્જાય તેવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. બીજી વાત એ છે કે, મંત્રીમંડળના બદલાવનો સંકેત સપ્ટેમ્બર મહિના તરફ મોટો ઈશારો કરી રહ્યો છે. કારણ કે, ભૂપેન્દ્ર પટેલની પહેલી સરકાર પણ સપ્ટેમ્બરમાં જ બની હતી.ગુજરાતના રાજકારણના ઈતિહાસ પર એક નજર કરીએ તો, વિજય રૂપાણી સરકારે રાજીનામું આપ્યું તે પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર પણ સપ્ટેમ્બર મહિનામાં જ બની હતી. તેઓ ૧૨ સપ્ટેમ્બરે પ્રથમવાર મુખ્યમંત્રી બન્યા હતા. હાલ પણ સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો હોવાથી મંત્રી મંડળના વિસ્તરણ માટે સપ્ટેમ્બર મહિનો પસંદ કરાશે તેવી ચર્ચા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ, રાજકીય વર્તુળોમાં મોટા ફેરફારોની અટકળો છે. એવી ચર્ચા છે કે ભાજપ ટૂંક સમયમાં રાજ્યમાં ઘણા મોટા નિર્ણયો લઈ શકે છે. આમાં નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ફેરબદલનો સમાવેશ થાય છે.સૂત્રોનું માનીએ તો, રાજ્યમાં નેતૃત્વમાં પરિવર્તનની કોઈ શક્યતા નથી, પરંતુ ઘણા મંત્રીઓને વર્તમાન મંત્રીમંડળમાંથી દૂર કરવામાં આવી શકે છે. સંગઠનમાં કામ કરવા માટે ઘણા મંત્રીઓને મોકલી શકાય છે, જ્યારે કેટલાક યુવા ચહેરાઓ મંત્રીમંડળમાં પ્રવેશ કરી શકે છે. ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ૧૬ મંત્રીઓ છે. જેમાં ૮ કેબિનેટ મંત્રીઓ, બે સ્વતંત્ર પ્રભારી મંત્રીઓ અને ૬ રાજ્યમંત્રીઓનો સમાવેશ થાય છે. ૨૦૨૨ માં બીજી વખત મુખ્યમંત્રી બન્યા પછી કોઈ ફેરફાર થયો નથી. આવી સ્થિતિમાં, ટૂંક સમયમાં મંત્રીમંડળમાં ફેરબદલની અટકળો છે. શ્રાદ્ધના અંત પછી પણ આ ફેરફાર થઈ શકે છે.ચર્ચા છે કે, નવા મંત્રીમંડળનું કદ ૨૫ સભ્યોનું હોઇ શકે છે. આમાં બચુ ખાબડનું મંત્રીપદ દીકરાઓના મનરેગા કૌભાંડને જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. હવે આ સિવાય કોઈ ઈન થાય છે અને કોણ આઉટ તે તો ભાજપની આગાહી પર નિર્ભર છે.વાસ્તવમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અચાનક દિલ્હીની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મહત્વપૂર્ણ બેઠક કરી. મહત્વનું છે કે, આ મુલાકાત માત્ર શિષ્ટાચાર પૂરતી નહીં પરંતુ રાજ્યના રાજકીય અને નીતિગત પરિપ્રેક્ષ્યમાં અનેક સંકેતો પણ આપી ગઈ છે. રાજ્યના રાજકારણની હાલની સ્થિતિ પ્રમાણે જાઈએ તો સંભવિત રીતે પ્રદેશ પ્રમુખની જાહેરાત થઈ શકે છે.








































