૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારત દેશ આઝાદ થયો. આ આઝાદી અપાવવામાં અનેક ભારતીયોનો ફાળો છે. આઝાદી બાદ ભારતના પાડોશી દેશોની કરતુતોને કારણે સરહદો સતત સેળગતી રહી છે. આ સરહદોમાં ભારતનો સૌથી છૂપો અને ભયાનક દુશ્મન દેશ એ ચીનને માનવામાં આવે છે. ૧૯૬૨ માં ભારત અને ચીન વચ્ચેના યુદ્ધમાં ભારતનો પરાજય થયો પરંતુ ચીન સાથેની અમુક સરહદો પર ભારતીય સેનાના જવાનોના પરાક્રમ, સાહસ અને શોર્યતાના કારણે ચીની સેનાની પીછે હઠ થઇ અને દેશના સીમાડા પર દેશના સૈનિકોના પરાક્રમથી ચીની સૈનિકોને મોતને ઘાટ ઉતારીને માતૃભૂમિના રક્ષણ કાજે પોતાના પ્રાણની આહુતિ આપી દેશ માટે બલિદાન આપ્યા હતા. આ પરાક્રમ,શોર્ય અને બલિદાનનો ઉજળો ઇતિહાસએ ચીન સાથેના યુદ્ધમાં દેશની લદ્દાખ પાસેની રેજાંગલાની સરહદી ભુમી પર બનેલી ઘટનાથી ઇતિહાસના પાને કંડારાઈ હતી. આ ઘટનાએ દેશના સીમાળા સાચવી માતૃભૂમિની રક્ષા કાજે પોતાના પ્રાણના બલિદાનની આહુતિ આપી બનેલી ઘટના હોવાથી આહિર સમાજ સાથે સમગ્ર દેશ ગર્વ લઇ શકે તેવી પરાક્રમ, શોર્યતા, વીરતા અને દેશપ્રેમથી છલકતી પ્રેરણાદાયક ઘટના છે.૧૯૬૨ના ચીન સાથેના આ યુદ્ધમાં ભારત પર ચીની સૈન્ય ચડાઈ સાથે હલ્લા બોલ કરી હુમલાઓ કરે છે ત્યારે એ સમયે ચીન સામે ભારતની તાકાત ઓછી હોવાથી ચીનના સૈન્ય સામે ભારતની સેના પોતાની માતૃભૂમિની રક્ષા કાજે આપણા સૈન્ય પાસેના ઉપલબ્ધ સાધનોથી ક્યાંક પરાજીત થયા તો ક્યાંક વિજય મેળવવા અંતિમ શ્વાસ સુધી લડ્‌યા હતા. ચીની સરહદ પર હિમાલય પર્વતની પર્વત માળાઓ વચ્ચે લદ્દાખ વિસ્તારમાં સમુદ્ર સપાટીથી ૧૬૦૦૦ ફુટ ઉંચે આવેલાં બાર્ફીલા પહાડી વિસ્તાર એવા રેજાંગલામાં ભારતીય સેનાની તેર કુમાવ રેજિમેન્ટના ૧૨૦ આસપાસ સૈનિકોની એક બટાલિયન અહીં દેશની રક્ષા કાજે યુદ્ધ સમયે ફરજ પર તૈનાત કરવામાં આવી હતી. આ બટાલિયનના મેજર શૈતાનસિંહ ભાટી હતા. જયારે તેમાં મોટાભાગના સૈનિકો હરિયાણાના રેવાડાના આહીરવાલ વિસ્તારના આહીરો અને બીજા રાજસ્થાનના આહીરો હતા. આ હરિયાણાના આહિરવાલ વિસ્તારના લોકો પોતાની પરંપરાગત નશલથી જાણીતા છે. તે હુષ્ટ પુષ્ટ શરીર અને કદ અને કાઠીમાં કદાવર શરીર બાંધાવાળા હોય છે જે એક સાથે એકથી વધુ લોકો સાથે બાથ ભીડી શકે તેવા મજબૂત બાંધાના હોય છે. આ આહિર જવાનો તે સમયે કુમાવ રેજિમેન્ટની આ બટાલિયનમાં સૈનિક તરીકે પોતાની ફરજ દેશની સરહદ પર નિભાવી રહ્યા હતા.૧૮ નવેમ્બર ૧૯૬૨ ને રવિવારના વહેલી સવારે ૩ઃ૩૦ વાગ્યાં આસપાસ ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી દ્વારા આ લદાખની રેજાંગલા સરહદે તૈનાત આ કુમાવ રેજિમેન્ટ પર ૩૦૦૦થી વધુ સૈનિકો અને ભારે શસ્ત્રો સાથે પુરી તૈયારીથી ભારતમાં ઘુસવા માટે હુમલો કરવામાં આવ્યો હતો. આ સમયે ભારત ચીન સામેના યુદ્ધમાં પરાજય તરફ હતું અને આ રેજાંગલા સરહદે આ તેર કુમાવ રેજિમેન્ટની આ બટાલિયનમાં મેજર શૈતાનસિંહ ભાટી સાથે ફક્ત ૧૨૦ આસપાસ જવાનો હતા. આ હુમલા સમયે સેનાની આ બટાલિયનના મેજર શૈતાનસિંહ ભાટીએ ચીનની આટલી મોટી ફોજ સામે પોતાની બટાલિયનના સૈનિકો સાથે બાથ ભીડવી અશક્ય અને ખુબ મુશ્કેલ હોવાથી તેમને આસપાસના આર્મી હેડક્વાટર પાસે સૈન્ય અને હથિયારની મદદ માંગી હતી પરંતુ તે સમયની યુદ્ધથી ઘેરાયેલા ભારતની આ સરહદની પરિસ્થિતીમાં કોઈ મદદ મળવી મુશ્કેલ હતી. ત્યારે આવી કપરી સ્થિતિમાં દેશની આર્મી દ્વારા આ બટાલિયનના મેજરને સરહદ પરથી પીછેહઠ કરવાનુ જણાવવામાં આવે છે પરંતુ મેજર શૈતાનસિંહ ભાટી અને તેની બટાલિયનના વીર આહિર જવાનોમાં દેશપ્રેમ, શોર્યતા અને શૂરવીરતા જાણે તેમની માતાના ધાવણમાંથી જ ભરીભરીને રગે રગમાં ઉતાર્યો હોય તેમ તે પીછે હટ કરવા કોઈ તૈયાર ના હતા. આજ અવસર આયા હે માં ભોમ કે લિયે કુરબાની દેને કા…. દુશ્મન કો મારેંગે ફિર મરેંગે તો ભી પીઠ નહિ દિખાયેગે….ના સૂત્ર મુજબ દુશ્મનો સામે લડી લેવાની પુરી તૈયારી હતી. આ સમયે મેજરને તેના સૈનિકોના પરાક્રમ અને દેશદાજ પર ભરોસો હોવાથી તે તમામ જવાનોને બોલાવી પૂછે છે કે હેડ ક્વાટર્સથી આપણી આ બટાલિયનને સરહદ છોડીને પીછેહટ કરવાનો સંદેશો આવ્યો છે શું કરવુ છે ? દેશની સરહદ છોડી હાર સ્વીકારી પીછેહટ કરવી છે કે પછી દેશની રક્ષા કાજે બલિદાન આપી સીમાડા સાચવવા અંતિમ શ્વાસ સુધી ચીની સેના સામે લડવુ છે. આ સમયે મેજર શૈતાન સિંહ ભાટીની કુમાવ રેજિમેન્ટના આ વીર આહિર જવાનો એક સુરે જવાબ આપે છે કે આથી મોટો માઁ ભોમની રક્ષા કરવાનો અવસર કયો હોય શકે ? માઁ ભોમની રક્ષા કાજે પીછેહટ મંજુર નથી…ભારત માતા કી જય ના જયઘોષ સાથે લડેંગે….જીતેગે…ના નારા સાથે મેજર શેતાનસિંહ ભાટીની આગેવાનીમાં ચીની સેનાના ૩૦૦૦ જેટલા સૈનિકો સામે ૧૨૦ આસપાસ આહિર જવાનો એ બાથ ભીડી આ સમયે ચીની સેના પાસે પૂરતો દારૂ ગોળો,આધુનિક હથિયાર અને મોટા પ્રમાણમાં સેનાના જવાનો હતા જયારે ભારત પાસે તેની સામે લાડવા અને ટકવા માટે કોઈ ખાસ વ્યવસ્થા હતી નહિ, તો બીજી બાજુ ૧૬૦૦૦ મીટરની ઉંચાઈ ઉપર હિમાલયની હિમશીલાઓમાં આવેલાં આ રેજાંગલા બોર્ડર વિસ્તારમાંએ સમયે બરફ વર્ષાથી માયનસ ડિગ્રી તાપમાન અને ઠંડા પવનો સામે રક્ષણ મેળવવાં માટે પૂરતા ગરમ વસ્ત્રો કે પૂરતી સુવિધાઓ પણ ના હતી. પીવાનું પાણી પણ બરફ થઇ જતુ હોવાથી તે ગરમ કરી પીવું પડે તેવી સ્થિતિ હતી તેવા સમયે ભારતીય સેનાના આ જવાનોની રગ રગમાં દોડતું લોહીના કણકણમાં દેશદાજ ભરેલી હોવાથી ચીની સેના સામે જોમ અને જુસ્સા થી લડ્‌યા હતા. આ જવાનો પાસે લડતા લડતા અંતે હથિયાર ખૂટતા તેમને પોતાની ગોળી વગરની રાયફલોના છરાથી કોઈ લડ્‌યા, તો કોઈ હાથો હાથ લડી ચીની જવાનોના ઉભા બે ફાડા કરે તેમ લડ્‌યા હરિયાણાના કદાવર આહિર સૈનિકોએ ચીનના સૈનિકોને બંને હાથે ઉપાડીને સામ-સામે એના માથા ભટકાવીને મોતને ઘાટ ઉતાર્યો હતા. આ કુમાવ રેજિમેન્ટના મેજર શૈતાનસિંહ ભાટી અને તેના ૧૨૦ આસપાસ આહિર જવાનો એ ચીન સાથે બાથ ભીડી અને ભારતના એક જવાને ચીની સેનાના દસ દસ જવાનોને મોતને ઘાટ ઉતાર્યા અને ૧૩૦૦થી વધુ સૈનિકોને આ રેજાંગલા સરહદે આ ૧૨૦ આસપાસના પરાક્રમી આહિર જવાનોએ પોતાનાની તાકાતથી માર્યા હતા. આ ઘટનાની નોંધ લઈને દેશવાસીઓને આ જવાનોની વીરતા અને પરાક્રમ ઉજાગર કરવા દેશના કવિઓ એ પોતાની કલમ થી દેશભક્તિ ગીત લખ્યું હતુ એ મેરે વતન કે લોગો જરા યાદ કરો કુરબાની… દસ દસ કો એક ને મારા ફિર અપની જાન ગવાઈ…. આ દેશભક્તિ ગીત લખાયા અને ગાવાયા છે. આ ઘટના કોઈ પાસે સાંભળીએ કે વાંચીએ અને તેની કલ્પના કરીએ તો પણ આપના રોમ રોમ ઉભા થઇ જાય એવી આ ઘટનામાં આ જવાનોના શોર્ય, પરાક્રમ અને જુસ્સો જોઈ ચીની સેનાએ પીછે હઠ કરવાની ફરજ પડી અને આ યુદ્ધમાં તેર કુમાવ બટાલિયનના મેજર શૈતાનસિંહ ભાટી સહિત કુલ ૧૧૭ જવાનો શહીદ થયા હોવાનુ મનાય છે જેમાં ૧૧૪ આહિર જવાનો માઁ ભોમની કાજે અંતિમ શ્વાસ સુધી લડી શહીદ થયા.આ યુદ્ધ દરમ્યાન સમગ્ર બટાલિયન માં અમુક ગણ્યા ગાંઠ્‌યા બે ચાર જવાનો જ ગંભીર ઈજાઓ સાથે જીવીત બચ્યા હતા. તેઓએ આ માતૃભૂમિ કાજે પોતાના પ્રાણની આહુતિ આપી શહીદી વહોરનાર વીર જવાનોના પરાક્રમની કહાની જે પોતાની નરી આંખે જોયેલી છે તે લોકો અને લેખકો સુધી પહોંચાડી હતી. તો યુદ્ધ બાદના તે ભુમીના દ્રશ્યો પરથી પણ અનેક ગાથાઓ લખવામાં આવી છે જેમા આ સમગ્ર રેજાંગલા યુદ્ધમાં આ બહાદુર જવાનોના પરાક્રમ પર ખુદ ચીની સેનાને પણ કહેવું પડ્‌યું હતુ કે આવા શૂરવીર જવાનો કે જેને પોતાની માતૃભુમીની રક્ષા કાજે તેમની દેશદાજ અમે કોઈ જવાનોમાં જોઈ નથી. લડતા સમયે એ જવાનોનો દેશ પ્રત્યેનો જુસ્સો જોઈ કોઈ પણ ડરી જાય તેવી રીતે એ લડ્‌યા હતા. આ યુદ્ધ માં જીવિત બચેલા બે જવાનો નિહાલસિંહ યાદવ અને રામસીંહ યાદવએ આહિર રેજિમેન્ટની ચળવળમાં એક મીડિયા ઇન્ટરવ્યૂમાં એ સમયની યુદ્ધની વાત જણાવતા કહ્યું હતુ કે અમે બેરહમીથી ઘાયલ થયા હતા પણ જે સૈનિકો શહીદ થયા છે તેને હથિયાર ખૂટતા બંધુકોને હાથના હથિયાર બનાવી લડ્‌યા હતા તો આ જવાનોએ ચીની સૈનિકોને ઉપાડી સામ સામે ભટકાવીને માર્યા હતા એ આહીરોની તાકાત જોઈ દુશમનો પણ પીછેહટ કરતા થયા હતા અને રેજાંગલા સરહદે થી ચીની સેનાને ભારતમાં ઘુસવાનો પ્લાન કામયાબ બનાવી તેની યુદ્ધ રણનીતિ ચોપાટ કરી હતી અને ચીની સેન્યનુ મનોબળ તોડ્‌યું હતું. આ ફક્ત આ વીર આહિર જવાનોના પરાક્રમના કારણે શક્ય બન્યું હતુ. આ બટાલિયનના મેજર શૈતાન સિંહ ભાટીના રેડિયો વાયરલેશ ઓપરેટર રામચંદ્ર યાદવે જે ૯૦ વર્ષની આસપાસની ઉંમરે હાલ જીવિત છે તેને ભારતમાં બની રહેલી ફિલ્મ “૧૨૦ બહાદુર”ને આ યુદ્ધની કહાની કીધી હતી. તેના એક મીડિયા ઈન્ટરવ્યુંમાં આ જીવિત જવાન રામચંદ્ર યાદવ એ જણાવ્યું હતુ કે એ યુદ્ધ ના સમયને હું યાદ કરું તો પણ મારા રોમ રોમ ઉભા થઈ જાય છે અને મારી હૃદય કંપી ઉઠે છે અને આખો આસુઓથી ભરાઈ જાય છે. મેં મારી સાથે એક જ થાળીમાં ભોજન લેનારા મારા અનેક ભાઈઓને ત્યારે શહીદ થતા જોયા છે પરંતુ મને એ વાતનુ ગર્વ છે કે તેને ૧૩૦૦થી વધુ દુશ્મનોને માર્યા હતા તો ૪૦૦થી વધુ સૈનિકોને યુદ્ધ ન લડી શકે તેવી સ્થિતિમાં ઘાયલ કર્યા હતા. આ યુદ્ધની મહત્વની વાત એ છે કે ભારતીય સેનાના એક પણ જવાનની પીઠ પાછળ ગોળી વાગી નથી. આ તમામ જવાનો સામી છાતી એ લડ્‌યા હતા અને પોતાની છાતી પર ૨૦ – ૨૦ ગોળીઓ ખાઈને શહીદી વહોરી હતી કોઈએ પીઠ બતાવીને પોતાની માઁનુ ધાવણ લજાવ્યું ના હતુ પરંતુ તેને પીઠ ના બતાવી આહીરો અને દેશના સન્માનને બચાવ્યું હતુ. આ ૧૨૦ જાવાનોના પરાક્રમ અને માતૃભૂમિ પ્રત્યેની પોતાની નિષ્ઠા, વફાદારી અને દેશદાજનુ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે જે દેશની આર્મીના જવાનોને અને દેશ વાસીઓને આજે પણ પ્રેરણા આપે છે. આ લદ્દાખના રેજાંગલા સરહદે આ સૈનિકોની શહાદતની યાદમાં એક શહીદ સ્મારક બનાવી માઁ ભોમને કાજે શહીદી વહોરનાર તમામ શહીદોની પુષ્પ સમાધી રૂપે એક “અહિર ધામ” બનાવવામાં આવ્યુ છે. જે આ ચીન સાથેના ૧૯૬૨ના યુદ્ધમાં રેજાંગલા સરહદે દેશના સીમાડા સાચવવા માટે શહીદી વહોરનાર આહીરોના પરાક્રમ આ ગાથાની સાક્ષી પુરે છે. આ યુદ્ધના પરાક્રમની ગાથાઓ પર સરકાર પણ આ તેર કુમાવ બટાલિયનના મેજર અને સૈનિકો ગર્વ કરી દેશની સેનાનું મારણોત્તર સર્વોચ્ચ સન્માન પરમવીર ચક્રથી શહીદ મેજર શૈતાન સિંહ ભાટી આપી તેમની દેશ પ્રત્યેની વફાદારી, દેશદાજને બિરદાવી હતી. તો આ યુદ્ધ સાથે જોડાયેલા અન્ય જવાનો જેમાં નાયબ સુબેદાર હરિરામ, નાયબ સુબેદાર સુરજા, નાયક હુકમચંદ, નાયક ગુલાબસિંહ, લે.નાયકસિંહરામ, સી.ના.આસ.ધર્મપાલસિંહને વીરચક્ર મારણોત્તર સન્માન આપી સન્માનિત કરાયા હતા. તો હવાલદાર હરફૂલ સિંહને મારણોત્તર સેના મેડલ આપી સન્માનિત કરાયા હતા. દેશની સરકાર અને સેનાએ પણ આ વીર જવાનોના પરાક્રમની ઘટનાને મેડલથી સન્માનિત કરી તેનું મોમેરીયલ બનાવી કાયમી યાદીનું સંભારણું દેશને આપ્યું છે. જેથી સમગ્ર દેશ આ વીર જવાનોની દેશ પ્રત્યેની વફાદારી અને દેશદાજ પ્રત્યે ગૌરવ લઇ શકે અને આવનારી પેઢીને આ દેશપ્રેમની ઘટનામાંથી પ્રેરણા લઇને માતૃભૂમિ પ્રત્યે પોતાની નિષ્ઠા અને કર્તવ્ય બાબતે સંદેશો આપી શકાય. આ શહીદ સ્મારક “આહિર ધામ”ની આજે હજારો લોકો લદ્દાખ ટુર પર જાય છે ત્યારે મુલાકાત લઈને આ વીર જવાનોના ઇતિહાસને યાદ કરી તેમના પર ગર્વ કરે છે કે મારી માતૃભૂમિના આ જવાનોએ દેશ માટે પ્રાણ આપી દેશના સીમાડા સાચવ્યા હતા. આ ૧૧૪ વીર આહિર જવાનોની શહીદી કાજે સમગ્ર દેશનો આહિર સમાજ ૧૮મી નવેમ્બરના દિવસને “આહિર શોર્ય દિવસ” તરીકે ઉજવે છે. દેશની સુરક્ષા માટે ભારતીય સેનામાં આ દેશમાં વસવાટ કરતા આહિર સમાજના યુવાનોનુ ખુબ મોટુ યોગદાન હતુ અને આજે પણ છે ત્યારે આહિર સમાજ દેશની સરકાર પાસે ઘણા વર્ષોથી આ રેજાંગલા યુદ્ધમાં શહીદી વહોરનાર જવાનોની શહાદતને સલામ કરી દેશની આર્મીમાં આહિર રેજિમેન્ટ બનાવવાની માંગ કરી રહી છે. દેશની સાંસદમાં પણ અનેક વાર આ મુદ્દે ચર્ચાઓ થઇ છે અનેક રાજકીય નેતાઓએ પણ આ બાબતે તત્કાલીન અને વર્તમાન સરકારને રજુઆતો કરી છે. ૧૮મી નવેમ્બર ૨૦૧૮ના દિવસે ગુજરાતના ગામડે ગામડેથી આવેલા આહીરોનું અમદાવાદ આવી જીએમડિસી ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ સંમેલન મળ્યું હતું અને આહિર રેજિમેન્ટ હક છે અમારો આ સૂત્ર સાથે ભવ્ય કાર્યક્રમ આપી આહિર શોર્ય દિવસની ઉજવણી કરાઈ હતી.૧૮મી નવેમ્બર ૨૦૧૯માં રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે સ્વર્ગસ્થ મુખ્યમંત્રી વિજય રૂપાણની ઉપસ્થિતીમાં આ યુદ્ધમાં સહભાગી બનેલા જીવિત જવાનોનું સન્માન કરીને ભવ્ય સંમેલન બોલાવી ફરી આહિર રેજિમેન્ટની માંગ સાથે આહિર શોર્ય દિવસની ઉજવણી કરાઈ હતી.ગુજરાતના સફળ આંદોલનકારી એવા જન અધિકાર મંચના પ્રમુખ પ્રવીણ રામ દ્વારા પણ આહીરોના ઇષ્ટદેવ શ્રી કૃષ્ણની દેહોશ્વર્ગ ભુમી એવા ભાલકા તીર્થથી દિલ્હી સુધી રેલી સ્વરૂપે આહિર રેજિમેન્ટની માંગ સાથેનો કાર્યક્રમ આપ્યો હતો. કોરોના કાળના કપરા સમયમાં સરકારની ગાઇડલાઇનનું પાલન કરી કોઈ કાર્યક્રમ ના યોજી દરેક આહીરે પોતાના ઘરે દીપ પ્રગટાવી મૌન પાડી શહીદોને શ્રદ્ધાંજલિ આપી આહિર રેજીમેન્ટની માંગ કરી હતી. આહિર સમાજનું સંગઠન અખિલ ભારતીય યાદવ મહાસભા દ્વારા આ રેજાંગલાની પવિત્ર ભુમીની માટી (રજ) કે જેમા દેશના વીર જવાનોના લોહી રેડાયા છે તેના કણ કણમાં દેશપ્રેમની સુગંધ આવે છે તે રજ (માટી)નો એક કળશ જેને ” રેજાંગલા રજ કળશ ” નામ આપવામાં આવ્યું છે. આ યાત્રા સમગ્ર દેશમાં આ શહીદોને યાદ કરી તેના આ પરાક્રમ, વીરતા, દેશપ્રેમ અને શહીદીની સુગંધ સમગ્ર દેશના ગામડે ગામડે દરેક લોકો સુધી ફેલાવીને આ વીર જવાનોની શહીદી કાજે ભારતીય સેનામાં આહિર રેજિમેન્ટની માંગ સાથે પરીભ્રમણ કરી રહી છે જે સમગ્ર દેશનું ભ્રમણ કરી ૧૮મી નવેમ્બર આહિર શોર્ય દિવસના રોજ દિલ્હી ખાતે પહોંચશે અને આહિર રેજિમેન્ટની માંગને બુલંદ કરશે. આ કળશ યાત્રા હાલ સૌરાષ્ટ્રના અમરેલી ખાતે ૪ની સપ્ટેમ્બરના રોજ પ્રવેશ કરતી હોય ત્યારે તેના સન્માનને વધાવવા સમગ્ર અમરેલી જિલ્લાના આહિર સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરી સેનામાં રેજાંગલાના વીર જવાનોની યાદમાં ભારતીય સેનામાં આહિર રેજિમેન્ટની માંગને બુલંદ કરી કરવાનાં આ અવાજને વધુ મજબૂત કારી દેશના કાજે બલિદાન આપનાર વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી આહિર સમાજના સેનામાં જોડાયેલા જવાનોના પરિવારને સન્માનિત કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. જે સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ યોજવાનો છે.