શહેરના ભક્તિનગર સર્કલ નજીક સરાજાહેર છરીના ઘા ઝીંકી ૨૭ વર્ષીય વિમલ વાણીયાની હત્યા કરવાના ચકચારી કેસમાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી કમલેશ ઘાંઘળને (ઉવ.૨૫)ને ઝડપી પાડ્યો છે. ગત ૨૪ સપ્ટેમ્બરે બપોરના સમયે બનેલી આ ઘટનામાં પ્રેમલગ્નની જૂની અદાવત કારણભૂત હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.મૃતક વિમલ વાણીયાએ આશરે સાત વર્ષ પહેલાં કમલેશની બહેન શીતલ સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. આ લગ્ન બાબતે મનદુઃખ રાખી કમલેશે પોતાના બે સાગરીતો સાથે મળીને વિમલ પર છરી વડે હુમલો કર્યો હતો. ટેકનીકલ તપાસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા નજીકથી મુખ્ય આરોપીને ઝડપી પાડી તેનો કબ્જા ભક્તિનગર પોલીસને સોંપ્યો છે. આરોપી અત્યાર સુધી કઈ કઈ જગ્યાએ નાસતો ફરતો હતો? કોના દ્વારા તેને આશરો આપવામાં આવ્યો હતો તે સહિતની બાબતોને લઈ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ભક્તિનગર પોલીસે સમગ્ર મામલે અગાઉ આ કેસમાં મદદગારી કરનાર એક આરોપીની ધરપકડ કરી છે. જાકે આ કેસમાં મદદગારી કરનાર હજુ પણ એક આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.
રાજકોટના સહકાર મેઇન રોડ પર જમનાનગર શેરી નંબર-૪માં રહેતા વિમલ વાણીયા (ઉંમર ૨૭ વર્ષ)એ આશરે સાત વર્ષ પહેલાં કમલેશ ઘાંઘળની બહેન શીતલ સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. વિમલ દલિત જ્ઞાતિના હોવાથી કમલેશ અને તેના પરિવારજનોને આ લગ્ન બાબતે અદાવત હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ગત ૨૪ સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે વિમલ ભક્તિનગર સર્કલ નજીક ઓમ ટ્રાવેલ્સની ઓફિસ સામે હાજર હતો. આ દરમિયાન કમલેશ અને તેની સાથે આવેલા બે અજાણ્યા શખ્સોએ વિમલ પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા વિમલને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.વિમલની હત્યા બાદ તેની પત્ની શીતલે પોતાના ભાઈ કમલેશ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. શીતલના જણાવ્યા અનુસાર, પ્રેમલગ્ન બાદ છેલ્લા સાત વર્ષથી તેના પિયર પક્ષ સાથે સંબંધો તણાવપૂર્ણ રહ્યા હતા. તેણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે કમલેશે અગાઉ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પતિની હત્યાને પગલે શીતલે આક્રંદ વ્યક્ત કરતાં પોતાના નાનકડા પુત્રએ નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી હોવાનું જણાવ્યું હતું.