નવરાત્રિના ઉત્સાહભર્યા માહોલ વચ્ચે સુરતના વેલંજા વિસ્તારમાંથી દુઃખદ ઘટના સામે આવી છે. અહીં નીલકંઠ વરણી સોસાયટીમાં ગરબા રમી રહેલા ૩૯ વર્ષીય રત્નકલાકાર અજયભાઈ અકબરીનું અચાનક મોત થયું છે. ગરબા રમતી વખતે તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. ત્યારબાદ ગભરામણ થતાં તેઓ બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા હતા. આ ઘટનાને પગલે ગરબાના માહોલમાં અફરાતફરી મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં પરિવારજનો અજયભાઈને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જાકે, હોસ્પિટલ પહોંચતાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. અજયભાઈ મૂળ જામનગર જિલ્લાના જામજાધપુર તાલુકાના વતની હતા અને સુરતના વેલંજા વિસ્તારમાં રંગોલી ચોકડી પાસે આવેલી સોસાયટીમાં પરિવાર સાથે રહેતા હતા. તેઓ રત્નકલાકાર તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
અજયભાઈ ત્રણ સંતાનોના પિતા હતા. પરિવારના મોભીનું અચાનક અવસાન થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. નવરાત્રિ દરમિયાન ગરબાના ઉત્સાહભર્યા માહોલમાં બનેલી આ ઘટનાથી પરિવારજનો અને સોસાયટીના રહીશોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
ગરબા રમતી વખતે શરીર પર વધુ શ્રમ પડે છે. તેથી ખેલૈયાઓએ પોતાની શારીરિક ક્ષમતા મુજબ જ ગરબા રમવા, પૂરતું પાણી પીવું અને થાક લાગે તો આરામ કરવો જરૂરી છે. ગરબા રમતી વખતે છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર કે અસામાન્ય ગભરામણ થાય તો તરત જ રમવાનું બંધ કરીને તબીબી મદદ લેવી જાઈએ. આવા લક્ષણોને અવગણવા નહીં અને જરૂર જણાય તો તાત્કાલિક ઇમરજન્સી સારવાર મેળવવી જાઈએ.