અમદાવાદમાં ઈન્સ્ટાગ્રામ પર થયેલી ઓળખાણ બાદ યુવતી પર દુષ્કર્મ આચર્યાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. ફરિયાદ મુજબ, ચેન્નઈના કાસીમ અંસારી નામના યુવકે ૨૬ વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી અમદાવાદની એક હોટલમાં લઈ જઈ ૧૦ દિવસ સુધી ગોંધી રાખી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. યુવતી ઘરે પરત ફર્યા બાદ પરિવારે તેને ઘાટલોડિયા પોલીસ સ્ટેશન લઈ જઈ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદ મુજબ, અમદાવાદમાં રહેતી ૨૬ વર્ષીય યુવતીનો ચેન્નઈના કાસીમ અંસારી સાથે ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક થયો હતો. કાસીમ યુવતીને વારંવાર મેસેજ કરીને મિત્રતા કરવા કહેતો હતો. શરૂઆતમાં યુવતી જવાબ આપતી નહોતી. જાકે, કાસીમે પોતાનું બ્રેકઅપ થયું હોવાનું અને તે માનસિક રીતે મુશ્કેલ Âસ્થતિમાંથી પસાર થઈ રહ્યો હોવાનું જણાવી મહિલા મિત્રની જરૂર હોવાનું કહ્યું હતું. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થઈ હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, ૩ ઓક્ટોબરે કાસીમ અમદાવાદ આવ્યો હતો અને યુવતીને શહેરના છેવાડાના વિસ્તારમાં આવેલી એક હોટલમાં લઈ ગયો હતો. યુવતીના આક્ષેપ પ્રમાણે, ત્યાં તેને ૧૦ દિવસ સુધી ગોંધી રાખવામાં આવી હતી અને આ દરમિયાન તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
યુવતીએ ઘરે જવાની વાત કરતાં ૧૩ ઓક્ટોબરે આરોપી તેને તેના ઘર નજીક મૂકીને જતો રહ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. બીજી તરફ, દીકરી ૧૦ દિવસથી ઘરે પરત ન ફરતાં પરિવારે તેની ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી.યુવતી ઘરે પરત આવ્યા બાદ પરિવાર તેને ઘાટલોડિયા પોલીસ સ્ટેશન લઈ ગયો હતો, જ્યાં સમગ્ર ઘટનાને લઈને ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે કાસીમ અંસારીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
ઈન્ચાર્જ ડીસીપી એ.વી. પરમારના જણાવ્યા અનુસાર, આરોપીના મોબાઈલ ફોનમાંથી સાત અલગ-અલગ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ મળી આવ્યાં છે. આ એકાઉન્ટ્‌સનો ઉપયોગ કરીને આરોપીએ અન્ય યુવતીઓનો સંપર્ક કર્યો હતો કે તેમને પણ ફસાવી હતી કે કેમ, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
હાલમાં પોલીસ સમગ્ર મામલે વધુ પુરાવા એકત્રિત કરી રહી છે. અન્ય કોઈ યુવતી સાથે પણ આવી ઘટના બની છે કે કેમ તે તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.