જુની માંડરડી સેવા સહકારી મંડળી અને ધાતરવડી સિંચાઈ યોજના-૧ના પ્રમુખ રમેશભાઈ વી. વસોયાએ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને પત્ર લખી સેટેલાઈટ સર્વે શરૂ કરવા અને પાણી પત્રક બનાવવાની માંગ કરી છે. પત્ર મુજબ, જૂન માસમાં કપાસ અને મગફળીનું વાવેતર કરાયા છતાં પાણી પત્રકમાં નોંધ ન થવાથી અને ઓનલાઈન ક્રોપ સર્વે ન દર્શાવવાને કારણે ટેકાના ભાવે વેચાણ વખતે ખેડૂતો મુશ્કેલી ભોગવી રહ્યા છે. અગાઉ ૧૫/૦૯/૨૦૨૫ના રોજ રજૂઆત છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. હાલ સેટેલાઈટ સર્વે બંધ હોવા ઉપરાંત રાજુલામાં વી.સી.ઈ.ની નિમણૂક ન હોવાથી ફાર્મર રજીસ્ટ્રેશનમાં પણ હાલાકી પડી રહી છે. જેથી ખેડૂતોના હિતમાં ઝડપી નિર્ણય લેવા વિનંતી કરાઈ છે. આ પત્રની નકલ નાયબ કલેક્ટર, મામલતદાર અને ગુજરાત નિયંત્રિત બજાર સંઘના ચેરમેન જીજ્ઞેશભાઈ પટેલને પણ પાઠવવામાં આવી છે.