બાબરા તાલુકાના ફુલઝર ગામના પ્રજાજનોની લાંબા સમયથી મહત્વપૂર્ણ માગણી પૂર્ણ થઇ છે. ગામના સુવિધાપથ (સી.સી. રોડ) માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૫૦ લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ વિકાસ કાર્ય માટે સ્થાનિક ધારાસભ્ય જનક તળાવીયાએ સતત રજૂઆત કરી હતી. ફુલઝર ગામે વસવાટ કરતા નાગરિકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ તેમજ વેપારીઓને વર્ષોથી ખરાબ માર્ગોના કારણે અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. ખાસ કરીને વરસાદી ઋતુ દરમિયાન કાચા તથા જર્જરિત રસ્તાઓ કારણે રોજિંદી આવાગમન, શાળા-કોલેજ, આરોગ્ય સેવા તથા ખેતી સંબંધિત વાહન વ્યવહાર અસરગ્રસ્ત થતો હતો. આ માર્ગ બનવાથી ગામના આંતરિક રસ્તાઓ મજબૂત બનશે, ટ્રાફિક સુવ્યવસ્થિત થશે અને ગ્રામજનોને વર્ષો સુધી ટકાઉ અને સુરક્ષિત માર્ગ સુવિધા પ્રાપ્ત થશે. આ મંજૂરી મળતાં સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, આગેવાનો તથા ગ્રામજનોએ જનક તળાવીયાનો આભાર વ્યક્ત કર્યો છે. જનક તળાવીયાએ આ તકે જણાવ્યું હતું કે, “ફુલઝર ગામે મંજૂર થયેલ આ સી.સી. રોડ ગામના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આવનારા સમયમાં પણ બાબરા તાલુકાના દરેક ગામના વિકાસ માટે હું સતત પ્રયત્નશીલ રહીશ.”






































