સાવરકુંડલામાં રહેવાસીઓએ પોતાના વિસ્તારની સ્વચ્છતા અને આરોગ્યના જોખમ અંગે ગંભીર ફરિયાદ નોંધાવી છે. શહેરના ભુવા રોડ ઉપરની પોપટભાઈ હાર્ડવેરવાળી ગલીમાં રહેણાંકની બહાર છાણ અને પોદળા જેવા કચરાને નિયમિત રીતે શેરીમાં, પડોશીઓની હદમાં તથા દીવાલોની નજીક ફેંકી રહ્યા છે, જેના કારણે આખા વિસ્તારમાં તીવ્ર ગંદકી ફેલાઈ રહી છે. આ કારણે ડેંગ્યુ, મલેરિયા જેવી બીમારીઓનું જોખમ વધી રહ્યું છે અને આરોગ્ય માટે મોટી ચિંતાનું કારણ બની રહ્યું છે. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે, આ કચરાને નિયમિત રીતે શેરીમાં ફેંકવાથી ન માત્ર વિસ્તારની સ્વચ્છતા બરબાદ થઈ રહી છે, પરંતુ વાતાવરણ પણ પ્રદૂષિત થઈ રહ્યું છે. ખાસ કરીને વરસાદી મોસમમાં આવો કચરો વધુ ગંદકીનું કારણ બને છે, જે જંતુઓ અને મચ્છરોના પ્રજનન માટે આદર્શ વાતાવરણ બનાવે છે. સ્થાનિક રહેવાસી વિનોદ મકવાણાએ કહ્યું કે, “આ શેરીમાં રહેતા દરેક વ્યક્તિને આ ગંદકીની સમસ્યા થઈ રહી છે. અમે આ અંગે સ્થાનિક તંત્ર અને પોલીસને વારંવાર જાણ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. આવી અવગણના અમારા આરોગ્યને જોખમમાં મૂકે છે.” તેમણે ચેતવણી આપી છે કે, જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો, તેઓ વધુ વ્યાપક આંદોલન કરશે.









































