સાવરકુંડલા શહેરમાં લોકોની સમસ્યાઓ સામે આવી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં બિસ્માર રસ્તાઓને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, કબીર ટેકરીથી માલધારી ચોક થઈ અંબિકા સોસાયટી તરફ જતો મુખ્ય માર્ગ અત્યંત ખરાબ હાલતમાં છે. અગાઉ આ માર્ગ પર ગેસ લાઈન નાખવામાં આવ્યા બાદ યોગ્ય રીતે પુરાણ કરવામાં આવ્યું ન હતું. ત્યારબાદ ગટર લાઈનના ખોદકામ બાદ પણ રસ્તાનું સમારકામ કરવામાં ન આવતાં ઠેરઠેર મોટા ખાડા પડી ગયા છે. બિસ્માર માર્ગને કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. રહીશો દ્વારા તંત્ર સમક્ષ અવારનવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. નગરપાલિકા અને સ્થાનિક પ્રતિનિધિઓ તાત્કાલિક માર્ગનું યોગ્ય સમારકામ કરાવે તેવી લોકમાંગ ઉઠી છે.