સાવરકુંડલામાં મહુવા રોડ પર આવેલી સુલભ હોસ્પિટલ નજીક ગટર ઉભરાવાની સમસ્યા વિકટ બની છે.ગંદા પાણી અને દુર્ગંધને કારણે સ્થાનિકો, હોસ્પિટલના કર્મચારીઓ અને દર્દીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.આ વિસ્તારમાં હોસ્પિટલ આવેલી હોવાથી અહીં દર્દીઓ અને તેમના સ્વજનોની અવરજવર સતત રહેતી હોય છે, જેથી આ સમસ્યા વધુ ગંભીર બને છે. ઉભરાતી ગટરને કારણે રસ્તા પર પાણી ભરાઈ જાય છે, જે વાહનચાલકો માટે પણ જોખમી છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ,આ સમસ્યા છેલ્લા અનેક મહિનાઓથી ચાલી રહી છે અને વરસાદના દિવસોમાં તો પરિસ્થિતિ વધુ વિકરાળ બને છે. સ્થાનિકોએ આ અંગે નગરપાલિકા અને સંબંધિત તંત્રને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, પરંતુ અત્યાર સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. એક સ્થાનિક રહેવાસીએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “અમે તંત્રને વારંવાર જાણ કરી છે, પરંતુ તેઓ માત્ર વચનો આપે છે અને કોઈ નક્કર કાર્યવાહી કરતા નથી.” સ્થાનિકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરીને ગટરલાઈનનું રિપેરીંગ કરે અને ભવિષ્યમાં આવી સમસ્યા ન ઉદ્ભવે તે માટે કાયમી વ્યવસ્થા કરે.









































