અમરેલીના સરંભડા ગામમાં શેત્રુંજી નદીમાંથી થતી ગેરકાયદેસર રેતી ચોરી સામે બે દિવસ પહેલાં ગ્રામજનોએ એકજૂટ થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગ્રામજનોએ નદીના પટમાં ઉતરી રામધૂન બોલાવી ‘રેતી ચોરી બંધ કરો’ અને ‘શેત્રુંજી નદી બચાવો’ જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.આ દરમિયાન શેત્રુંજી નદીમાંથી રેતી ભરવાનો ફોટો પાડતાં ધમકી આપવામાં આવી હતી.આ બનાવ સંદર્ભે મિલનભાઈ ગોરધનભાઈ કાનપરીયા (ઉં.વ.૨૫)એ તેમના જ ગામના અક્ષયભાઈ બાબુભાઈ દાફડા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપી શેત્રુંજી નદીમાંથી રેતી ભરતા હતા, જેનો ફોટો તેમણે પાડતાં આરોપીએ સાહેદને ફોન કરી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ. જે. ગોંડલીયા વધુ તપાસ કરી રહ્યા છે.