ગત અઠવાડિયે ભારતે ઘરઆંગણે મર્યાદિત ૨૦ અવર્સનો ક્રિકેટ વિશ્વકપ ખિતાબ જીત્યો. આખો દેશ એ રાત્રે ઉજવણીમાં ડૂબી ગયો. અનેક રેકોર્ડ પ્રસ્થાપિત કરતા ભારતીય ટીમે ભારતને ગૌરવની ક્ષણોની ભેંટ આપી. આખો દેશ ઝૂમી ગયો. જીત્યા બાદ કેપ્ટન, કોચ અને બીસીસીઆઇ સચિવ જે મેદાન પર જીત્યા હતા એ નરેન્દ્ર મોદી સ્ટેડીયમના સંકુલમાં આવેલા હનુમાનજી મંદિરે ટ્રોફી લઈને ભગવાનનો આભાર માનવા ગયા. એ સ્વાભાવિક છે કે કોઈ ઉપલબ્ધી બાદ દરેક માણસ પોતાની આસ્થા જ્યાં હોય ત્યાં કૃતજ્ઞતા પ્રગટ કરવા પહોચી જાય છે. કોઈ નવી ગાડી લે, કોઈ નવું એકમ શરુ કરે કે નવું ઘર બંધાવે એ બધા કિસ્સામાં વ્યક્તિ પોતાની આસ્થા મુજબ માથું ટેકવે છે. વિષય ધર્મનો કે હિંદુ આસ્થાનો આવે એટલે હિન્દુસ્તાનમાં ચોક્કસ વર્ગને પેટમાં દુખવા લાગે છે. સેક્યુલરી સનકીઓને વારે વારે આવી સનક ઉપડે છે.
કીર્તિ આઝાદ કરીને એક ભૂતપૂર્વ ક્રિકેટર અને વર્તમાન રાજકારણી છે. જો કે બંને ક્ષેત્રોમાં એ નિષ્ફળ છે. ક્રિકેટમાં એક માત્ર ઉપલબ્ધિ એ છે કે ૧૯૮૩ના વર્લ્ડકપની વિજેતા ટીમના સદસ્ય હતા. જો કે એ વેસ્ટ ઇન્ડીઝ સામેની ફાઈનલ ઈનિંગમાં એમણે મીંડું મુકાવ્યું હતું અને આમ કરવાવાળા એ એકમાત્ર બેટ્‌સમેન હતા, બાકીના બધા બેટ્‌સમેનોએ સ્કોર કર્યો હતો. બોલિંગ કરેલા છ બોલરો પૈકીના એકમાત્ર હતા જેમને કોઈ વિકેટ મળી નહોતી બાકીના તમામ બોલરોએ વિકેટ લઈને ભારતને વિજય અપાવ્યો હતો. આમ બોલિંગ અને બેટિંગ બંનેમાં શૂન્યની ઉપલબ્ધિ ધરાવનારા એ એકમાત્ર ફાઈનલના ખેલાડી હતા. એ જ ધારાધોરણે એમણે રાજકારણમાં પણ ઘણી શૂન્યની ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરેલી છે. કોઈ પક્ષે હાંકી કાઢ્યા છે તો કોઈ પક્ષ છોડવો પડ્‌યો છે. કારકિર્દી શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં એમની આ ત્રીજી રાજકીય પાર્ટી છે. બે વખત પક્ષ બદલો કરી ગયા છે. એ નક્કી કરવું મુશ્કેલ છે કે એ ક્રિકેટમાં વધુ નિષ્ફળ રહ્યા હતા કે રાજનીતિમાં વધુ નિષ્ફળ છે? છતાં રાજકારણી હોવાના નાતે ફોગટ નિવેદનબાજી એમનો આપદ ધર્મ છે. એમણે કેપ્ટનના ટ્રોફી મંદિરમાં લઇ જવાના પગલાને ધર્મ સાથે જોડીને આખી ટીમ ઈન્ડિયાને શરમજનક કહી છે. તૃણમુલ કોંગ્રેસના સદસ્ય હોવાના નાતે એમનામાં હિન્દુદ્વેષ ભારોભાર હોય એ કલ્પી શકાય છે. પણ ભારતીય ટીમ અથાગ પ્રયત્નો અને દબાણ સહન કાર્ય બાદ આ ખીતાબની હકદાર બની છે. આખો દેશ વિજયનો હરખ કરે છે ત્યારે આવી બાબતનો વિવાદ ઉભો કરવાનો પ્રયત્ન કરીને એમણે પોતાના પક્ષની હિંદુ વિરોધી માનસિકતા છતી કરી છે. પોતાની તુચ્છ રાજનીતિ જીવંત રાખવા આવા હલકા નિવેદનો કીર્તિ આઝાદનું માનસિક સ્તર બતાવે છે.
ભારતની રાજનીતિમાં એક ચોક્કસ ખેમો છે જે હિંદુ આસ્થાને ઠોકરો મારીને પોતાની કારકિર્દી જીવંત રાખી રહ્યો છે, હિંદુ આસ્થાને તર્કશૂન્ય કુચેષ્ટા થકી અપમાનિત કરતા રહેવાની એમની આદત અને સ્વામિભક્તિ સાબિત કરતા રહેવાની મજબૂરી છે. કીર્તિ આઝાદ એમાના એક છે. હિંદુ તરીકે પેદા થવાની દોષભાવના માથા પર લઈને ફરનારી આ જમાત હિન્દુઓને ગાળો આપીને મોટા થઇ જવાની મંશા વર્ષોથી સેવી રહી છે. હિંદુઓ દરેક યુગમાં મીરઝાફર પેદા થઇ જવાની કીસ્મત લઈને આવ્યા છે. ઘસાઈ ગયેલ ઘૂંટણવાળા પેરેસાઈટીક નેતાઓ કતાર દર કતાર હિન્દુદ્વેષ લઈને હિંદુ ધર્મમાં પેદા થતા રહ્યા જ છે.
જે મુદ્દો પાકિસ્તાની મીડિયા ઉછાળી રહ્યું છે કે ટ્રોફીને ધર્મના રંગમાં રંગવાની શું જરૂર હતી એ જ અદ્દલ મુદ્દો કીર્તિ આઝાદ જેવા નેતાઓ હિન્દુસ્તાનમાં ઉઠાવી રહ્યા છે. આ કોઈ પહેલી વખત નથી કે પાકીસ્તાન અને હિન્દુસ્તાનના નેતાઓનો સૂર એક જ રહ્યો હોય. આ પહેલા અનેકો વખત હિન્દુસ્તાનના ઘણા નેતાઓના નિવેદનો પાકિસ્તાની પાર્લામેન્ટમાં ગુંજી ચુક્યા છે. એક પાક લણાઈ જાય, ત્યારબાદ એ જ જમીનમાં બીજો ફેરબદલ પાક વવાઈ જાય છે. એ બીજા પાકને પાણી આપતા પહેલા પાકના છોડ ઉગી નીકળે છે, જેને કાઠીયાવાડમાં અરુડા કહે છે. અ-રૂડા એટલે જે રૂડા નથી લગતા તે એવો અર્થ થતો હશે. આ અ-રુડાને એવો ભાસ થઇ જાય છે કે પોતે જ મૂળ પાક છે. પણ છોડનું થોડું કદ થતા એને જમીનમાંથી ઉખાડી ફેંકવામાં આવે છે. એ એનું કિસ્મત હોય છે. પાકિસ્તાનના ઉદ્ભવ બાદ પાકિસ્તાન સાથે મેચ થતી માનસિકતા ધરાવતા નેતાઓ આ અ-રૂડા છે. હવે હિંદુ અપરાધ બોધે એને જમીનમાંથી ઉખાડી ફેંકવાનું શરુ કર્યું છે.
આ એ લોકો જ છે જેઓ પાકિસ્તાની ક્રિકેટરોને હિન્દુસ્તાનમાં રમાડવાના વિરોધ અંગે નિવેદનો આપતા ફરે છે કે રમતને રમતની દ્રષ્ટીએ જોવી જોઈએ… કલાને કોઈ સીમાડા હોતા નથી… સરહદો રાજકારણે ખેંચેલી છે, કળા સાહિત્ય સરહદોથી પર હોય છે. એમનું દોગલાપણાની કોઈ સરહદ નથી. દરેક બાબતનું પોતાના મંતવ્ય મુજબ અર્થઘટન કરવાની એમની કળાની પણ કોઈ સરહદ નથી. કીર્તિ આઝાદ જેવા માણસો તો પોતે જ આ ક્ષેત્રમાંથી આવે છે. નગણ્ય કહી શકાય એવું એમનું પણ યોગદાન છે આવી જ એકાદી ટ્રોફી જીતવામાં.