વઢેરા ગામે વરૂડી માતાના મંદિર તરફ જવાના રસ્તે રાત્રિના સમયે શંકાસ્પદ હાલતમાં ફરતા ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્‌યા હતા. આ શખ્સો કોઈક મિલકત વિરુદ્ધનો ગુનો કરવાના ઈરાદે અંધારાનો લાભ લઈ ભેગા થયા હોવાનું સામે આવ્યું હતું. ભરતભાઇ ભાણાભાઇ પરમાર, વિપુલભાઇ કાળુભાઇ પરમાર, બીજલભાઇ કાનાભાઇ પરમાર તથા રાજેશભાઇ મુળાભાઇ પરમારની વઢેરા ગામે વરૂડી માતાના મંદિર તરફ જતા રસ્તા પર રાત્રે અંધારામાં શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને આ ચાર શખ્સોને ઝડપી પાડ્‌યા હતા. જ્યારે પોલીસે તેમની હાજરી અને ત્યાં ભેગા થવાનું કારણ પૂછ્યું, ત્યારે તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહોતો અને ગલ્લાં-તલ્લાં કરવા લાગ્યા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે, આ ચારેય આરોપીઓ કોઈ મિલકત સંબંધિત ગુનો, જેમ કે ચોરી, લૂંટ કે ધાડ પાડવાના ઈરાદે હથિયારો સાથે એકઠા થયા હતા. પોલીસે તેમની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.