વડોદરા જિલ્લાના કરજણ વિસ્તારમાં નેશનલ હાઈવે-૪૮ પર આજે વહેલી સવારે એક ભયાનક અને ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઔરંગાબાદથી અમદાવાદ તરફ આવી રહેલી જય ખોડિયાર ટ્રાવેલ્સની પેસેન્જર બસ કરજણ ધાવટ ચોકડી પાસેના બ્રિજ પર સાઇડમાં ઉભેલા એક ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા જ્યારે ૧૦થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા.ઘટના સ્થળે પહોંચેલા સ્થાનિક લોકો અને મુસાફરોના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ બસમાં ચીસાચીસ મચી ગઈ હતી. ઘણા મુસાફરો લોહીલુહાણ હાલતમાં રસ્તા પર બેઠા જાવા મળ્યા હતા.
બસની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે કરજણ ફાયર બ્રિગેડની ટીમે દોઢ કલાકથી વધુ સમય સુધી ભારે જહેમત ઉઠાવી હતી. ફાયર જવાનોએ બસમાં જઈને સ્ટ્રેચરની લપસણી બનાવીને મૃતદેહો અને ઘાયલોને બહાર કાઢ્યા હતા. બસમાં અંદાજિત ૨૫થી વધુ મુસાફરો સવાર હતા, જેમાંથી મોટા ભાગના ફસાઈ ગયા હતા.અકસ્માતની તાત્કાલિક જાણ થતાં જ કરજણ ફાયર વિભાગ, પોલીસ અને ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી.
ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને સારવાર અપાઈ રહી છે. કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.કરજણ પોલીસએ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં બસ ચાલકે ટ્રકને જાઈને અચાનક બ્રેક માર્યા હોવાનું અને સ્ટયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ટ્રક બ્રિજ પર સાઇડમાં પાર્ક કરેલો હતો, જેના કારણે અકસ્માત થયો હોવાનું માનવામાં આવે છે.