લીલીયા મોટા ગ્રામ પંચાયત કચેરીના પટાંગણમાં સરપંચ વિજય શેખલીયા તથા સચિવ આકાશ દેલવાડીયાની ઉપસ્થિતિમાં ખાસ ગ્રામસભા યોજાઈ હતી. જેમાં સ્મશાન રોડ પરની ગંદકી દૂર કરવા, પાણીના ખાડા રિપેર કરવા, સરસ્વતી સ્કૂલ અને આંગણવાડી પાસે કોઝવે બનાવવા સહિતના પ્રશ્નો અંગે રજૂઆતો થઈ હતી. નલ સે જલ તથા ભૂગર્ભ ગટર યોજનાના નબળા કામો સામે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. વિવિધ વિસ્તારોમાં રોડ, ગટર, પાણીની લાઈન, પેવર બ્લોક અને સ્ટ્રીટ લાઈટ અંગેની સમસ્યાઓ પણ રજૂ કરાઈ હતી. પીપળવા રોડ ફાટક પાસેના રોડના ખાડા પુરવા તથા અકસ્માત નિવારવા સ્પીડ બ્રેકર મુકવાની માંગ કરાઈ હતી. વાસ્મો યોજનાનું કામ પૂર્ણ થયેલા વિસ્તારોમાં ૧૫ દિવસમાં પાણી વિતરણ શરૂ કરવાની રજૂઆત થઈ હતી. દરમિયાન લીલીયા પોલીસે BNS, BNSS અને BSA સહિતના નવા કાયદાઓ અંગે ગ્રામજનોને જાગૃત કર્યા હતા.


































