લીલીયા મોટાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના NCC યુનિટના કેડેટ તુષાર કોરાડિયાએ ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય હેઠળની સંસ્થા ‘નિમાસ’ (National Institute of Mountaineering and Allied Sprots), અરુણાચલ પ્રદેશ ખાતે આયોજિત રાષ્ટ્રીય સ્તરના ‘સ્પેશિયલ એડવેન્ચર કોર્સ’માં સફળતાપૂર્વક સહભાગી થઈ કોલેજનું ગૌરવ વધાર્યું છે. ૩૧ મેથી ૯ જૂન સુધીના દસ દિવસીય આ કઠિન અને સાહસિક અભ્યાસક્રમ દરમિયાન તુષાર કોરાડિયાએ શારીરિક અને માનસિક ક્ષમતાના ઉત્કૃષ્ટ ઉદાહરણો પૂરા પાડ્યા હતા. આ કેમ્પમાં તેમણે કૃત્રિમ દીવાલો પર રોમાંચક વોલ ક્લાઇમ્બિંગ, અરુણાચલના પહાડી વિસ્તારોમાં દુર્ગમ માઉન્ટ ટ્રેકિંગ અને વહેતી નદીઓને સુરક્ષિત રીતે પાર કરવા માટે સાહસિક રિવર ક્રોસિંગ જેવી પ્રવૃત્તિઓની તાલીમ મેળવી હતી. આ સમગ્ર સફળતા પાછળ કોલેજના આચાર્ય ડો. રાજેન્દ્રસિંહ એ. રાઠોડની પ્રેરણા અને NCC ઓફિસર ડો. મહેશ એસ. ગઢિયાનું શિસ્તબદ્ધ માર્ગદર્શન રહ્યું છે.









































