પાકિસ્તાને અફઘાન સરહદ પર હવાઈ હુમલો કર્યો છે, જેમાં ૧૧ બાળકો સહિત ૧૩ લોકો માર્યા ગયા છે અને ૧૪ અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અફઘાનિસ્તાને દાવો કર્યો છે કે પાકિસ્તાને સરહદ પાર કરીને હુમલા કર્યા છે, જેમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધો માર્યા ગયા છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આ હુમલાઓમાં અફઘાનિસ્તાનના કુનાર, ખોસ્ત અને પાક્ટીકા પ્રાંતના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા છે. અફઘાન સરકારે પાકિસ્તાનના આ પગલાંની સખત નિંદા કરી છે અને તેમને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે.
અફઘાન પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદ દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, પાકિસ્તાની આક્રમણકારી દળોએ મંગળવારે મોડી રાત્રે ફરી એકવાર અફઘાનિસ્તાનના સાર્વભૌમત્વનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કર્યું છે, જેના પરિણામે હવાઈ હુમલામાં અસંખ્ય જાનહાનિ થઈ છે. ઝબીઉલ્લાહે વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાની લડાકુ વિમાનોએ ત્રણ મુખ્ય અફઘાન પ્રાંતોઃ કુનાર, ખોસ્ત અને પક્તિકામાં રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા હતા અને નાગરિકોના ઘરો પર આડેધડ બોમ્બમારો કર્યો હતો, જેનાથી ઘણા ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા.